એસપી મુકેશ પટેલ અને અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બંધ કારખાનાઓની સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયુંમોરબી: પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિના કારણે મોરબીના સિરામિક એકમો શટડાઉન લઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન બંધ કારખાનાઓની સુરક્ષા અને કાળજી રાખવા બાબતે ચર્ચા કરવા માટે ૧૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ એસોસિએશન હોલ ખાતે મોરબી પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં મોરબીના જિલ્લા પોલીસ વડા (એસપી) મુકેશ પટેલ, ડીવાયએસપી સારડા અને જે.એમ.આલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિકારીઓએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોને સાવચેત રહેવા અને જરૂરી કાળજી લેવા માટે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પોલીસ અધિકારીઓએ સૂચન કર્યું હતું કે જ્યારે સિરામિક યુનિટ બંધ હોય ત્યારે સુરક્ષાના ભાગરૂપે દરરોજ કારખાનાના ઓછામાં ઓછા એક ભાગીદારે યુનિટની રૂબરૂ મુલાકાત લેવી જોઈએ. આ ઉપરાંત, ફેક્ટરીની બહાર રોડ તરફના સીસીટીવી કેમેરા પણ સતત ચાલુ રાખવા તાકીદ કરવામાં આવી છે. માલ-મિલકતના રક્ષણ માટે ઉદ્યોગકારોને કંપનીના કમ્પાઉન્ડમાં સિક્યુરિટી ગાર્ડ્સની સંખ્યા વધારી દેવા જણાવાયું છે. સાથે જ, ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ઉદ્યોગકારોને શક્ય હોય ત્યાં સુધી કાર શેરિંગ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.મજૂરોના પ્રશ્નો અંગે પણ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઉદ્યોગકારોને અપીલ કરવામાં આવી છે કે મજૂરો સાથે કોઈ વાદ-વિવાદનો પ્રશ્ન સર્જાય તો શક્ય હોય ત્યાં સુધી તેનું શાંતિપૂર્ણ રીતે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો. કોઈપણ ચોરી કે લૂંટફાટના કિસ્સામાં કાયદો પોતાના હાથમાં લેવાને બદલે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે, જેથી પોલીસ યોગ્ય અને સમયસર કાનૂની કાર્યવાહી કરી શકે.#MorbiUpdate #MorbiPolice #CeramicIndustry #MorbiCeramic #MorbiNews #GujaratNews