કિશાન સંઘ, વીસીઇ, મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, કમર્ચારી મહામંડળ સહિતના આંદોલનથી સરકાર ચિંતિત મોરબી : વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં આંદોલનોની મોસમ ચાલી રહ્યા છે ત્યારે આંદોલનને આટોપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. હજૂ પણ કેટલાક આંદોલનો ચાલી રહ્યા છે તો કેટલાકને બાહેધરી અપાતા હાલ પુરતા સમી ગયા છે. ત્યારે આંદોલન સામે કરવામાં આવી રહેલી માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિચાર વિમર્શ માટે આજે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા સહિતના પાંચ પ્રધાનોની કમિટી મુખ્યમંત્રી સાથે મહત્વની બેઠક યોજનાર છે. વિધાનસભા ચૂંટણી નજીક છે તેવા સમયે જ કિશાન સંઘ દ્વારા છેલ્લા 14 દિવસથી ગાંધીનગરમાં વિવિધ માંગને લઈને વિરોધ કરવામાં આવી હોવાથી માંગને પહોંચી વળવા આજની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત પોલીસ બાંહેધરી પત્ર મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. 5 પ્રધાનોની કમિટી સાથે આજે સીએમ પુરો દિવસ ચર્ચા કરશે.હાલમાં કેબિનેટ બેઠક ચાલી રહી છે, કેબિનેટ બેઠક બાદ અલગ બેઠક સીએમ સાથે પ્રધાનોની યોજવામાં આવશે. સીએમની દિવસભર બેઠકો ચાલશે. આંદલોનનો ઉકેલ સરકારી યોજનાને લઈને તેમાં ગહન ચર્ચા થઈ શકે છે. ગુજરાતમાં એક પછી એક આંદોલનો અત્યારે ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીઓમાં વિવિધ માંગોને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોથી લઈને તલાટીઓ તેમજ નિવૃત સેનાના જવાનોથી લઈને આરોગ્ય કર્મચારીઓ, વીસીઈ, કિશાન સંઘ વગેરે દ્વારા વિવિધ પ્રકારની મક્કમતાથી માંગણીઓ કરી રહ્યા છે. આ આંદોલનનો અંત લાવવા અને તેમની માંગણીઓ સ્વિકારવા માટે સરકાર દ્વારા રચાયેલ કમિટીમાં મંત્રી જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, બ્રિજેશ મેરજા સહીતના મંત્રીઓ ચૂંટણી પહેલા કેટલીક માંગ સામે સરકાર દ્વારા વિચારણા કરીને આ મામલે યોગ્ય નિર્ણય લેવા આજરોજ મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરનાર હોવાનું જાણવા મળ્યું છે.