મોરબી : શ્રાવણી પૂર્ણિમા તથા રક્ષાબંધન પર્વ અને વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ પ્રદર્શની અને સાહિત્ય પ્રદર્શનીનું આયોજન સુભાષચંદ્ર બોઝ ચોકમાં કરાયું હતું. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્રીય સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા તેમજ સંસ્કૃત ભારતી મોરબીના વરિષ્ઠ કાર્યકર્તા પ્રવીણભાઈ રાજાણી તેમજ ઉષાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીમાં ઘરની રોજબરોજની ચીજ વસ્તુઓ, વિદ્યાલયોની વસ્તુઓ, અલગ અલગ વ્યવસાયોની વસ્તુઓ, પ્રાણીઓ-પક્ષીઓના ભોજન સંબંધિત વસ્તુઓ, કપડાં આધારિત વસ્તુઓ, સામાન્ય વ્યવહારમાં લઈએ તેવી તમામ વસ્તુઓ આ સિવાય પણ ઘણી બધી લગભગ ૩૫૦-૪૦૦ જેટલી વસ્તુઓના નમૂના સાથે સંસ્કૃતમાં તેનું નામ લખેલ રાખવામાં આવ્યું હતું. આ માટે વિશેષરૂપે સરસ્વતી શીશુ મંદિર શનાળા તેમજ સાર્થક વિદ્યામંદિર દ્વારા પ્રદર્શની- સાહિત્યની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. તેમજ સંસ્કૃત ભારતી મોરબીના કાર્યકર ભાઈઓ બહેનો ખુબ જ સારી વ્યવસ્થા પૂરી પાડી હતી. લગભગ ૪૫૦-૫૦૦થી વધારે લોકોએ પ્રદર્શની નિહાળી હતી. સમાજમાં સંસ્કૃત પ્રત્યે સારી જાગૃતિ વધતી જાય છે. ત્યારે સંસ્કૃત ભારતી દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમાં વધુમાં વધુ ભાઈઓ બહેનો જોડાય તે આવશ્યક છે. કોઈ પણ ભાઈ બહેન સંસ્કૃત ભારતી મોરબી સાથે જોડાવા ઇચ્છતા હોય તો 9825633154 પર સંપર્ક કરશો.તેવું સંસ્કૃત ભારતીના કિશોરભાઈ, મયુરભાઈ, હિરેનભાઈની યાદી જણાવે છે.