મોરબી : હાલમાં મોરબી જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં અલગ અલગ બે પર્યાવરણીય લોક-સુનાવણી રાખવાનું આયોજન ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું પરંતુ કોરોનાની મહામારીના લીધે સરકાર દ્વારા લોકડાઉન સહીત અનેક સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે. ત્યારે મેસર્સ રોસ્સો લેમીનેટ એલ.એલ.પી., ટીમ્બડી, મોરબીની તા. 10-8 અને મેસર્સ ઝીંઝર પોલીમર્સ એલ.એલ.પી., ભાડિયાદ, મોરબીની તા. 18-8 એમ બે લોક-સુનાવણી રાખવામાં આવેલ છે. જેને મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી છે. ભારત સરકારના ઈ. આઈ.એ. નોટિફિકેશન 2006 પ્રમાણે જ્યારે કોઈ કંપની સ્થાપિત થવાની હોય ત્યારે તેની આજુબાજુની ત્રિજ્યામાં આવતા ગામોના લોકોને આ કંપની આવશે તો ત્યાં સ્થાનિક લેવલે પર્યાવરણ કે અન્ય શું અસરો સારી કે ખરાબ ઉભી થશે તેનો કોઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અભ્યાસ કરેલ હોય તેનું વિગતવાર માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ આ કંપનીના કારણે લોકોને જે સમસ્યાઓ થશે તેના વિશે સ્થાનિક લોકો પ્રશ્નો રજૂ કરતાં હોય છે. આ લોક-સુનાવણીમાં કલેક્ટર કે એડિશનલ કલેકટર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસરની હાજરીમાં થતી હોય છે અને તેની મિટિંગ મિનિટ્સના આધારે કંપનીને સરકાર દ્વારા સ્થાનિક લોકોના પ્રશ્નોને ધ્યાને રાખીને શરતોને આધીન રહીને મંજૂરી આપવામાં આવતી હોય છે. તો આવા કોરોનાના સમયે આટલાં લોકો ભેગા થશે કોરોના વકરશે અથવા લોકો નહીં આવે તો સ્થાનિક લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ કોણ રજૂ કરશે અને તે યોગ્ય પ્રક્રિયા થશે નહીં તેને લઈને વાંકાનેરના સામાજિક કાર્યકર અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ઉસ્માનગની દ્વારા દ્વારા મોરબી કલેકટર અને મેમ્બર સેક્રેટરી તથા રજિયોનલ ઓફિસર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મેઈલ કરીને આ બંને લોક-સુનાવણી મોકૂફ રાખવા માંગ કરવામાં આવી છે.