ગુમ થનારનું મોટરસાયકલ સામખીયારી ખાતેથી બીનવારસુ હાલતમાં મળ્યું મોરબી :મોરબી નગરપાલિકાના કર્મચારી બૅંકમાં પૈસા ઉપાડવા જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.જો કે ગુમ થનારનું મોટરસાયકલ સામખીયારી ખાતેથી બીનવારસુ હાલતમાં મળી આવતા આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કુબેરનાથ રોડ ઉપર રહેતા અને મોરબી નગરપાલીકામા કર્મચારી તરીકે ફરજ બજાવતા જુવાનસિંહ અણદુભા ઝાલા (ઉ.વ.૫૫)ને માનસીક બીમારી હોય ગત તા.૧૯ રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં બેંકમાંથી પૈસા ઉપાડી આવુ એવુ કહી બેંકની પાસ બુક તથા પોતાનુ હીરો સ્પ્લેન્ડર રજી.નં.GJ-03-HL ૨૩૨૦ વાળુ લઇ ઘરેથી નીકળી ગયા હતા અને પોતાની માનસીક બીમારી સબબ ગુમ થઈ ગયા હતા.આ બનાવ બાદ તેમના પરિવારજનોએ ઘરમેંળે શોધખોળ કરી હતી પરંતુ તેમનો આજદિન સુધી પત્તો ન લાગતા અંતે તેમના પુત્ર હરપાલસિંહ જુવાનસિંહ ઝાલાએ પોતાના પિતાનું ગુમસુદા નોંધ એ ડિવિઝનમાં કરાવી હતી અને તેમણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે ગુમ થનાર તેમના પિતાનું મોટરસાયકલ સામખીયારી ખાતેથી બીનવારસુ હાલતમાં મળી આવ્યું છે.આથી આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.