મોરબી: પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે મોરબીની સાર્થક વિદ્યામંદિરે ફરી એકવાર ભારતીય સંસ્કારોની સુવાસ ફેલાવી છે. 14 ફેબ્રુઆરીના રોજ જ્યારે વિશ્વ ‘વેલેન્ટાઈન ડે’ની ઉજવણીમાં મશગૂલ હોય છે, ત્યારે સાર્થક વિદ્યામંદિર દ્વારા બાળકોમાં સંસ્કારના સિંચન અર્થે ‘માતા-પિતા પૂજન દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભરચક લાગણીઓ અને ભીની આંખે આશીર્વાદસાર્થક વિદ્યામંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોતાના માતા-પિતાનું પૂજન-અર્ચન કર્યું હતું અને તેમના મોં મીઠા કરાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા અંદાજે 50 જેટલા વાલીઓ પોતાના સંતાનોના હાથે આદર-સત્કાર પામીને અત્યંત ભાવુક બન્યા હતા. શાળાના પ્રાંગણમાં સર્જાયેલા આ હૃદયસ્પર્શી દ્રશ્યોએ ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી.સંસ્કારનું ભાથું પીરસતા મહાનુભાવોઆ મંગલમય પ્રસંગે શાળાના ટ્રસ્ટી કમલેશ ગુરુજી, સંસ્થાના બંને પ્રધાનાચાર્ય ગણેશ ગુરુજી અને વિવેક ગુરુજી તેમજ વિવિધ વિભાગના HOD ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ બાળકોને જીવનમાં માતા-પિતાનું શું મહત્વ છે અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો કેવી રીતે આપણને ઉચ્ચ શિખરો પર લઈ જાય છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યા મનોભાવોમાત્ર પૂજન જ નહીં, પણ વિદ્યાર્થીઓએ પોતાની વકતૃત્વ કલા દ્વારા પણ આ દિવસનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ આપેલી સ્પીચમાં માતા-પિતા પ્રત્યેની કૃતજ્ઞતા અને આજીવન તેમની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાર્થક વિદ્યામંદિરના આ નવતર પ્રયોગની મોરબીવાસીઓ દ્વારા સરાહના કરવામાં આવી રહી છે, જે આધુનિક યુગમાં નવી પેઢીને ફરી પોતાની જડો સાથે જોડવાનું કામ કરી રહી છે.