એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટંકારા પોલીસની સયુંકત કાર્યવાહીમાં ટંકારાના પોલીસ જવાન ઘાયલ ટંકારા : મોરબી શહેર અને જિલ્લામાં મારામારી ખૂની હુમલા જેવા ગંભીર ગુન્હા આચરી નાસતો ફરતો મોરબીનો માથાભારે શખ્સ તેના સાગરીત સાથે ટંકારાના વિરપર નજીક આવેલી હાઇવે ઉપરની હોટલે આવ્યો હોવાની બાતમીને આધારે ભાગેડુ શખ્સને ઝડપી લેવા ગયેલ પોલીસ પાર્ટી ઉપર આરોપીઓએ હુમલો કરતા ટંકારાના પોલીસ જવાનને ઇજાઓ પહોંચી હતી.જો કે, પોલીસ પાર્ટીએ અંતે બન્ને હુમલાખોરોને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોડી સાંજના સમયે મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન અને વાંકાનેર પોલીસ મથકના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપી નવઘણભાઈ મોહનભાઈ બાંભવા, રહે.મોરબી બાયપાસ પાસે તુલશી પાર્ક સોસાયટી વાળો તેના સાગરીત મચ્છાભાઈ ઉર્ફે લાલો પરબતભાઈ વરૂ, રહે. રાજકોટ કાલાવડ રોડ કોટેચા ચોક, નાલંદા સોસાયટી શેરી નં-5 મુળ રહે. ઇટાળા તા-ધ્રોલ જી- જામનગર વાળો સ્વીફ્ટ કારમાં વિરપર નજીક આવેલી દ્વારકાધીશ હોટલે આવ્યા હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટંકારા પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી જગ્યાએ બન્ને ઈસમો હોવાની જાણ થતાં સંયુક્ત પોલીસ ટિમ ત્રાટકી હતી અને બન્ને આરોપીઓને પકડવા જતા આરોપી નવઘણભાઈ મોહનભાઈ બાંભવા અને સાગરીત મચ્છાભાઈ ઉર્ફે લાલો પરબતભાઈ વરૂએ ભાગવા પ્રયાસ કરતા તેને અટકાવવા જતા ટંકારા પોલીસ મથકના કોન્સ્ટેબલ વિપુલભાઈ ગગુભાઈ બાલાસરા ઉપર આરોપીએ લાકડી વડે હુમલો કરી માથામાં ઇજાઓ પહોંચાડી હતી. પોલીસ પાર્ટી ઉપર હુમલા અંગે ટંકારા પોલીસે કોન્સ્ટેબલ વિપુલભાઈ બાલાસરાની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૧૮૬, ૩૩૨, ૫૦૪, ૫૦૬(૨) જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.