નાગરિક સહકારી બેંકના જયેશભાઈ દવેના પુત્ર ડો. પ્રયાગની અનેરી સિદ્ધિ મોરબી : મૂળ મોરબીના તબીબ ડો. પ્રયાગ દવેએ ભારતમાં કોરોનાની સ્થિતિ વિશે એક આર્ટિકલ લખ્યો હતો. જે આર્ટિકલ યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના મેગેઝીનમાં ચમક્યો છે. આ મેગેઝીનના માધ્યમથી પાંચ દેશના લોકો સુધી આ આર્ટિકલ પહોંચ્યો છે. મોરબીમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કના જયેશભાઈ દવેનાં સુપુત્ર ડો.પ્રયાગ જે. દવે ભુજ ખાતે આવેલી ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ ખાતે એમબીબીએસનો અભ્યાસ કરી ભુજમાં જ એક વર્ષની ઇન્ટર્નશીપ કરી રહ્યા છે. તેઓએ Covid 19 in India : A new healthcare reform વિષય પર એક આર્ટિકલ લખી ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરને મોકલ્યો હતો. યુનિવર્સિટીને આ આર્ટિકલ પસંદ પડતા તેને યુનિવર્સિટીના મેગેઝીનમાં આ આર્ટિકલને સ્થાન આપ્યું હતું. આ મેગેઝીન ભારત ઉપરાંત પાકિસ્તાન, ઢાંકા, શ્રીલંકા અને ઘાનામાં જાય છે. આમ પાંચ જેટલા દેશોના લોકોએ આ આર્ટિકલ વાંચ્યો છે. આ આર્ટિકલમાં ડો. પ્રયાગ દવેએ કોરોનાકાળમાં ભારતની સ્થિતિ, ડોક્ટરો ઘરથી દૂર રહી જીવના જોખમે કામ કરતા ત્યારે પેશન્ટની સંખ્યામાં સતત વધારો, મૃત્યુમાં સતત વધારો સહિતની વિષમ પરિસ્થિતિ વચ્ચે તેઓની માનસિક સ્થિતિ જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.