લાકડીયા-અમદાવાદ વીજ લાઈન મુદ્દે ખેડૂતો વીજ કંપની સામે લડી લેવાના મૂડમાંમાળિયા (મિયાણા) : લાકડીયા-અમદાવાદ વીજ લાઈન મુદ્દે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અને વીજ કંપની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વળતર સહિતના મુદ્દે ખેડૂતો વીજ કંપની સામે લડત ચલાવી રહ્યા છે ત્યારે આવતીકાલે તારીખ 22 નવેમ્બરના રોજ ખાખરેચી મુકામે ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે. ખેડૂતોની આ લડાઈમાં કોંગ્રેસ પણ જોડાયું છે. જેમાં આવતીકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ફોજ ખાખરેચી મુકામે આંદોલનમાં હાજરી આપશે.આવતીકાલે તારીખ 22 નવેમ્બર ને શુકવારના રોજ સવારે 10-30 કલાકે ખાખરેચી મુકામે ખેડૂતોની ન્યાયની લડતમાં કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય પીરજાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મનોજભાઈ પનારા, મોરબી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ભુપેન્દ્રભાઈ ગોધાણી, માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી માળિયા વિધાનસભા યુવા પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડોક્ટર રાણા તથા માળીયા તાલુકા વિરોધ પક્ષના નેતા અશોકભાઈ કૈલા સહિતના આગેવાનો આ આંદોલનમાં જોડાશે. તો ન્યાયની લડતમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોનો મોટી સંખ્યામાં જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે.