મોરબી: કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી પાટીદાર સમાજમાં નારાજગી શરૂ થઈ છે. ત્યારે, મોરબી શહેરના મહેન્દ્રનગરના રહેવાસી અને પટેલ સમાજના અગ્રણી રાકેશ છત્રોલા સહિત મોરબી તાલુકાનાં પાટીદારના યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી હતી.કાજલ હિન્દુસ્તાનીએ સુરતમાં એક સામાજીક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન મોરબીની પાટીદાર દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ મુદ્દે અરજી કરનારના કહેવા મુજબ, કાજલ હિન્દુસ્તાની પોતાની વાહ-વાહી મેળવવા, ટી.આર.પી. તેમજ પબ્લીસીટી મેળવવા આવી મનઘડત વાતો દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ કરતા હોય છે. જેને લઈને કાજલ હિન્દુસ્તાની વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા પોલીસને નમ્ર અરજ કરી છે.