2001 થી પૈતૃક જમીનનો કેસ કાઢી નાખાતા આંદોલન છેડ્યુંટંકારા (મોરબી અપડેટ) : ટંકારા મામલતદાર કચેરી ખાતે બી.એલ. સોલંકી નામના અરજદાર ગાંધી જયંતિના દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતના પ્રતીક ઉપવાસ પર બેઠા છે. બી.એલ. સોલંકી અગાઉ પ્રદિપ શર્મા વિરુદ્ધ ગેરકાયદેસર મિલકત અને ધાંધલીના કેસમાં સરકાર તરફી ફરિયાદી રહી ચૂક્યા છે.બી.એલ. સોલંકીના જણાવ્યા અનુસાર વર્ષ 2001 થી પોતાની પૈતૃક જમીનના કામ માટે કચેરીના આંટાફેરા લગાવીને થાકી ગયા હતા. અંતે કલેકટરે તેમનો કેસ કાઢી નાખતા, તેમણે ગાંધી જયંતિથી ટંકારા મામલતદાર કચેરી બહાર અચોક્કસ મુદતના પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસ સ્થળે તેમણે મોરબી જિલ્લાના મહેસૂલી તંત્ર પર ગંભીર આક્ષેપો લગાવતું બેનર પણ પ્રદર્શિત કર્યું છે. બી.એલ. સોલંકીએ ખુલ્લી ચેલેન્જ આપતા મહેસૂલી રેકોર્ડને લગતા વિવિધ જવાબો અને પુરાવાઓ શોધી આપનારને લાખો રૂપિયાના ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. જેમાં મુખ્યત્વે જણાવાયું છે કે, ટંકારાના સાથણીના 3 સુધારા હુકમ એક જ જમીન ફાળવણીના છે તેવું સાબિત કરનારને 1 લાખનું ઈનામ. ગામ દફતરે પડેલ નોંધ નં 1490, 2552, 1559 મુજબ વર્ષ 1967 અને 1968 ના હુકમો શોધી આપનારને 1 લાખનું ઈનામ. પૂર્વ મામલતદાર કેતન સખીયાના લેખિત જવાબ મુજબ નોંધ નં 1490 નો સુધારો નોંધ નં 2405 થયો છે તેવું રેકોર્ડથી સાબિત કરનારને 1 લાખનું ઈનામ. તારીખ 28/03/2000 ના રોજ થયેલા પત્ર વ્યવહાર મુજબ લાલજી પમાની વારસાઈ થયેલ છે તે શોધી આપનારને 5 લાખનું ઈનામ. ટંકારા સર્વે નં 25 પૈકી કેપ્ટન ગોવિંદસિંગની જમીન શોધી આપનારને 15 લાખનું ઈનામ.આમ, વર્ષો જૂના જમીન વિવાદ અને સરકારી બાબુઓની લાલફીતાશાહીથી કંટાળીને અરજદારે તંત્ર સામે બાયો ચડાવી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.#Tankara #MorbiUpdate #MorbiNews #MamlatdarOffice #Protest #RevenueDepartment #BLSolanki #GujaratNews