મહાસંઘના મુખ્ય કાર્યકર્તાઓએ શિક્ષકોની માંગણીઓની વિસ્તૃત રજુઆત કરીમોરબી : જૂની પેન્શન યોજના લાગુ કરવા મામલે લડત ચલાવી રહેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા ધારાસભ્ય, સાંસદને રાજ્યભરમાં આવેદન આપવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે મોરબી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી અવાજ પહોંચાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નો અંગે માંગ તથા આંદોલન કરી રહ્યું છે. તે સંદર્ભે ગત વર્ષ થયેલ આંદોલન દરમિયાન મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા સમાધાન થયેલ અન્ય બાબતોના ઠરાવ થયેલ નથી. મુખ્યમંત્રીએ માહિતી ખાતાના માધ્યમથી તથા સરકારના પ્રવક્તા મંત્રીએ મિડિયા સમક્ષ કરેલ જાહેરાત અનુસાર ઠરાવ ન થતાં સમગ્ર શિક્ષકોમાં આક્રોશની લાગણી છે. ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, સમાધાન મુજબના ઠરાવ કરીને તેને અનુસંધાને કાર્યવાહી કરવા તથા સંગઠન સંલગ્ન નવ સંવર્ગના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી આવેદનપત્ર પાઠવી સરકારમાં ભલામણ પત્ર લખવા માંગણી કરી હતી.