સદનસીબે જાનહાની ટળી : ફાયર બીગ્રેડની એક કલાકની જહેમતના અંતે આગ સંપૂર્ણપણે કાબુ આવી ટંકારા : ટંકારાના વાઘગઢ ગામે ગત મોડીરાત્રે અંજતા ઘડિયાળ કંપનીની બસમાં અચાનક આગ લાગી હતી અને આ બસ આગની લપેટમાં આવી ગઈ હતી.બાદમાં આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને બસ પરની આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી.જોકે સદનસીબે આ આગની ઘટનામાં જાનહાની થઈ ન હતી. આ આગના બનાવની મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ટંકારાના વાઘગઢ ગામે અજંતા ઘડિયાળ કંપનીની પાર્ક થયેલી બસમાં ગતરાત્રીના 12 વાગ્યાના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને થોડીવારમાં જ આખી બસ આગની ઝપટમાં આવી જતા ભડભડ સળગવા લાગી હતી.આ બનાવની જાણ થતા મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગના વિનયભાઈ ભટ્ટ, કિશનભાઈ ભટ્ટ, ડી.ડી.જાડેજા અને દિનેશભાઇ પડાયા સહિતનો સ્ટાફ વાઘગઢ ગામે દોડી ગયો હતો અને એક કલાક સુધી બસ પર પાણીનો મારો ચલાવીને આગને બુઝાવી નાખી હતી.આ બનાવ અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, અજંતા ઘડિયાળ કંપનીની આ બસનો ટંકારના ગ્રામ્ય વિસ્તારો માટે વાઘગઢ ગામે છેલ્લો રૂટ હતો અને ત્યાં બસ પાર્ક થયેલી હતી.સદનસીબે ડ્રાઇવર કે બીજા કોઈ વ્યક્તિ અંદર હતા નહિ.એટલે આગની ઘટનાથી જાનહાની થઈ નથી.રાત્રે બસમાં આગ લાગતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને ગામલોકોએ ગામના પાણીના અવેડામાંથી પાણી લઈને બસ પર મારો ચલાવ્યો હતો અને ફાયર વિભાગ પહોંચે તે પહેલાં ગ્રામજનોએ અડધી આગ કાબુમાં લીધી હતી.બાદમાં ફાયર વિભાગે પહોંચીને બસ પરની આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી.