મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી : એમ્બ્યુલન્સમાં એક બાળકીની ગંભીર હાલત હોવા છતાં બીજા દર્દી માટે ખાસ્સો સમય રાહ જોવાઈ! મોરબી : કોરોનાના કેહરની વચ્ચે મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં મોરબીથી એક જ એમ્બ્યુલન્સમાં 3 દર્દી સહિત 10 જેટલા લોકો બેસાડી રાજકોટ રીફર માટે મોકલાતા હોવાનું બહાર આવ્યું છે. અને એક દર્દીની ગંભીર હાલત હોય તો બીજા દર્દીની રાહ જોવાય છે. અને બે થી 3 દર્દી થાય પછી જ બધાને એક જ એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવી રહ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મોરબીની સિવિલ હોસ્પિટલજિલ્લા કક્ષાની સૌથી મોટી હોસ્પિટલ હોવા છતાં મોટાભાગના દર્દીઓને રાજકોટ જ રીફર કરી દેવામાં આવે છે. આ હોસ્પિટલમાં ત્રણ એમ્બ્યુલન્સ છે તેમ છતાં પણ દર્દીઓ અને તેમના સગાને રીફર કરવામાં માટે ઠાંસી ઠાંસીને ભરાય છે. હાલ કોરોના લોકડાઉનના કારણે મોટાભાગની ખાનગી હોસ્પિટલ બંધ હોવાથી અસંખ્ય દર્દીઓ આ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે. અને મોટાભાગના દર્દીઓને રાજકોટ જ રીફર કરાય છે. જોકે ગંભીર દર્દીને રીફર રાજકોટ કરવામાં આવે એનો વાંધો નથી. પણ આ દર્દીને જોખમી રીતે લઈ જવો અને એ પણ હાલમાં કોરોનાને લઈને સામાજિક અંતર જાળવ્યા વગર લઈ જવો એ એ બાબત ભારે જોખમી પુરવાર થઇ શકે એમ છે. જેમાં એક જ એમ્બ્યુલન્સમાં ત્રણ દર્દી અને તેમના સગાને એક સાથે લઈ જવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ દર્દીને લઈ જવાનો વણલખ્યો હોસ્પિટલ તંત્ર દ્વારા નિયમ બનાવ્યો છે. જો એક પેશન્ટ ઘટતો હોય તો એની રાહ જોવામાં આવે છે. ગઈકાલે એક એમ્બ્યુલન્સમાં ત્રણ દર્દીઓ તથા તેમના સગા મળી 10 લોકોને બેસાડવામાં આવ્યા હતા. જેમાં એક નાની બાળકી હતી અને એક આંચકીથી પીડાતી બાળા હતી. પણ ત્રીજો દર્દી આવ્યો ન હોવાથી ખાસ્સો સમય સુધી એની રાહ જોવાય હતી અને આખરે ત્રીજો અકસ્માતનો દર્દી આવી ગયા બાદ ત્રણેયને તથા તેમના સગાને ઘેટાં બકરાની જેમ નાની એવી એમ્બ્યુલન્સ બેસાડીને રવાના કરાઈ હતી. જોકે ગંભીર દર્દીને તાત્કાલિક વધુ સારવાર અર્થે પહોંચાડવાનો હોય છે પણ અહીં તો વિલંબ ઉપર વિલંબ થાય છે. જેમાં એમ્બ્યુલન્સનો સ્ટાફ ત્રણ દર્દીનો ક્વોટો પૂરો કરવા બાદમાં ચાર્જ વસૂલવા અને કાગળિયા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં ભારે સમય વેડફે છે. બાદ મોરબીથી રાજકોટનું પણ ખાસ્સું અંતર છે. આ બધુંય પૂરું કરે ત્યાં સુધી કરે અને ન કરે નારાયણને કદાચ કોઈ અઘટિત ઘટના બની જાય તો જવાબદારી કોની? તેમજ સામાજિક અંતરની તંત્ર ગાઈ વગાડીને ઘોષણા કરે છે. ત્યારે આ એમ્બ્યુલન્સ સામાજિક અંતર જાળવવા માટે જવાબદારોનો કોણ કાન આમળશે? મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/