તમામ કેડરના કર્મચારીઓ ફરજ બજાવશે પરંતુ ઓનલાઈન કે ઓફલાઈન રીપોર્ટ આપશે નહીં મોરબી : ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા તા.20/12/21ના રોજ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને અલ્ટીમેટમ આપેલ હતું.તથા તા.24/12/2019,તા.27/02/2019 અને તા. 21/01/2021 એમ ત્રણ આંદોલન વખતે થયેલ સમાધાન મુજબ પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે દુર્લક્ષતા સેવાતા સંદર્ભ દર્શીત આદેશથી તા.28/03/2022ના રોજથી કામગીરી ચાલુ બંધ સહિત વિવિધ આંદોલનના આદેશ ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંધ દ્વારા આપવામાં આવેલ છે. જેનો જિલ્લાભરના તમામ કર્મચારીઓ આદેશનું પાલન કરશે.સમાધાન મુજબ નાણાંકીય અને વહીવટી પ્રશ્નો અંગે ટુંક સમયમા તબક્કાવાર નિરાકરણ લાવી આપવા સરકાર તરફથી કોઈ હકારત્મક પરિણામ ન આવતા રાજયભરમા આક્રોશ સામે રોષ ભભુકી ઉઠતા આરોગ્ય કર્મચારી મહાસંઘે ફરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા, મહામંત્રી વી.પી. જાડેજા અને મુખ્ય કન્વીનર સુરેશભાઈ ગામીતની એક અખબારી યાદી મુજબ તા.10/09/2011ના ત્રણ અધિક નિયામકની કમિટીએ પગાર સુધારણા માટેના અહેવાલ મુજબ અમલ કરી મ.પ.હે.વ, ફિ.હે.વ, ફાર્માસીસ્ટ, LT, સ્ટાફ નર્સ સહિત સાત કેડરોનો ગ્રેડ-પે સુધારો કોરોના કાળ દરમ્યાન જાહર રજા અને રવિવારે બજાવેલ ફરજનો પગાર આપવો,મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરી કોરોના ભથ્થુ આપવું,તા.27/12/2000ના આરોગ્ય પરિવાર કલ્યાણના ઠરાવ મુજબ ક્ષેત્રિય ફેરણી ભથ્થુ આપવા સહિતના પ્રશ્નો માટે ગત ત્રણ વર્ષમાં ત્રણ-ત્રણ વખત રાજયભરમાં સફળ આંદોલન બાદ એક પણ પ્રશ્નનો નિકાલ ના આવતા ફરીથી સરકારમાં લેખિત,મૌખિક અને વારંવારની રજુઆતોમાં સરકારે નન્નો ભણી દીધો છે. આથી આજે તા.28થી તમામ કેડરના કર્મચારીઓ ફરજ બજાવશે પરંતુ ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ પ્રકારના રીપોર્ટ વડી કચેરીએ આપશે નહિ.અને તા.4ના રોજ સરકારની કર્મચારી વિરોધી નીતિ સામે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ અને ધરણાના કાર્યક્રમો કરવા વિધિવત આદેશો જાહેર કરેલ છે. આવનાર દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવવા ગુજરાત રાજય આરોગ્ય મહાસંઘની પગલા સમિતિ અન્ય જલદ કાર્યક્રમો ઘડી કાઢશે.તેમ ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘની અખબારી યાદીમાં જણાવેલ છે.