મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસોથી મેડિકલ કોલેજ માટે વધુ 25 વીઘા જમીન ફાળવાઈ : કુલ 75 વીઘા જમીનમાં મેડિકલ કોલેજ સંકુલ આકાર પામશે, ટૂંક સમયમાં થશે ખાતમુહુર્ત મોરબી : મોરબી જિલ્લામાં ટૂંક સમયમાં જ ગીબશન મિડલ સ્કૂલ ખાતે સરકારી મેડિકલ કોલેજ કાર્યાન્વિત થવાની સાથે રૂપિયા 500 કરોડના ખર્ચે અદ્યતન મેડિકલ કોલેજ સંકુલ સ્થાપના માટે પણ તખ્તો ઘડાઈ ગયો છે અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરેજાના પ્રયાસોથી મેડિકલ કોલેજ માટે વધુ 25 વીઘા જમીન ફાળવવા નિર્ણય કરાતા કુલ 75 વીઘા જમીનમાં મેડિકલ કોલેજ આકાર પામશે જેનું ટૂંક સમય માં જ ખાતમુહૂર્ત કરાશે. રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત સ્થાનિક અગ્રણીઓના સતત પ્રયત્નો તથા મોરબી વહીવટીતંત્રની કાર્યશીલતાને સફળતા મળી અને મોરબીને મળ્યું મેડિકલ કોલેજનું નવું નજરાણું. ચાલુ વર્ષે જ નવું સત્ર શરૂ કરી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં ગિબ્સન સ્કૂલ ખાતે કામચલાઉ ધોરણે મેડિકલ કોલેજ ધમધમતી થશે. વધુમાં મોરબી મેડિકલ કોલેજના નવા બિલ્ડીંગનું પણ સંભવિત ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે અને મોરબીમાં રૂપિયા 500 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ નિર્માણ પામશે તેવું પણ મંત્રી બ્રિજેશભાઈ જણાવ્યું હતું. મોરબી મેડિકલ કોલેજ માટે શરૂઆતમાં 50 વીઘા જમીન ફાળવવામાં આવી હતી જો કે, મંત્રી સહિત સ્થાનિક અગ્રણીઓની સતત રજૂઆતો તથા કાર્યશીલતાના પગલે મોરબી મેડિકલ કોલેજ માટે વધારે 25 વીઘા જમીન ફાળવવામાં આવી છે જેથી 75 વીઘા જમીન મળવાથી મેડિકલ કોલેજના ભવન માટે વધારે અવકાશ મળી શકશે.