અગ્રણીઓ દ્વારા જનતા કર્ફ્યુને સમર્થન આપવા અને અફવાઓ પર ધ્યાન ના આપવા અપીલ મોરબી : કોરોનાની દહેશતને કારણે મોરબીની મુખ્ય બજારોમાં લોકોની ખુબજ પાંખી હાજરી જોવા મળી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના ડરને કારણે મોરબીની બજારોમાં જાણે સોપો પડી ગયો હોય તેમ ભરચકક રહેતા વિસ્તારો પણ સુમસામ બનવા લાગ્યા છે. મોટાભાગના લોકો અગત્યના કામ સિવાય બજારમાં આવવાનું ટાળતા હોવાથી બજારો સહિતના મુખ્ય વિસ્તારોમા કાગડા ઉડતા હોય એવો માહોલ છે. તેથી, જ્યાં વાહન ચાલકોને ભારે ટ્રાફિકમાંથી પસાર થવું પડતું હતું. તેવા વિસ્તારમાં હવે ખૂબ અસાનીથી નીકળી શકાય તેટલી હદે હળવો ટ્રાફિક થઈ ગયો છે. જરૂરિયાત સિવાયની ચીજવસ્તુઓ વેંચતા વેપારીઓ ખાલી હવા ખાઈ રહ્યા છે. કપડાં, જવેલરી, કટલેરી, બુટ ચપ્પલ સહિતની ચીજ વસ્તુઓના વેપારીઓ નવરઘુપ થઈ ગયા છે. લોકો પણ સાવચેતી રાખીને જરૂરી કામ સિવાય બહાર નીકળતા ન હોય રસ્તાઓ સુમસામ બની ગયા છે. જેમાં નહેરુગેટ ચોક, શનાળા રોડ, રવાપર રોડ, મેઈન બજાર સહિતના મુખ્ય વિસ્તારોમાં ખૂબ જ ઓછી ભીડ જોવા મળે છે. જ્યારે વડાપ્રધાન મોદીની જનતા કર્ફયુની અપીલને ઘડિયાળ ઉધોગકારોએ સમર્થન આપ્યું છે. પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જનતા કર્ફયુની અપીલની લોકોને શિસ્તબદ્ધ રીતે પાલન કરવાની અપીલ કરી છે. ચેમ્બર ઓફ કોમર્સ મોરબીના પ્રમુખ જેન્તીભાઈ જેરાજભાઈ પટેલે પણ જનતા કરફ્યુનું વેપારીઓ અને લોકોને પાલન કરવા અપીલ કરી છે. માસ્કના કાળા બજારથી લોકોને બચાવવા માટે મોરબી સીરામીક એસો. દ્વારા રાહતદરે 30 હજાર જેટલા માસ્કનું વિતરણ કરાયું હતું. તેમજ ટ્રાફિક વોર્ડનને વિનામૂલ્યે સેનીટાઇઝર અને માસ્કનું વિતરણ કર્યું હતું. ત્રાજપર ગામમાં રીક્ષા ફેરવીને રવિવારે જનતા કર્ફયુનું પાલન કરવાની અપીલ કરાઈ છે. રામધન આશ્રમ ખાતે 30 મી સુધી ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. વાવડી ગામે વાસી ખોરાક વેચવા પર પ્રતિબંધ અને જાહેરમાં થુકવા બદલ દંડ કરવાનો નિયમ લાગુ કરાયો છે. જ્યારે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટને સંપૂર્ણપણે જંતુમુક્ત કરવા કેમિકલનો છંટકાવ કરાયો હતો.