લોકોએ અર્વાચીન ગરબામાં રમવાને બદલે ઘર આંગણે જ સહિયારા આયોજન કર્યામોરબી : મોરબીમાં નવરાત્રી પૂર્વે જ અર્વાચીન ગરબાના આયોજન સામે સવાલો ઉભા થયા હતા અને પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા દીકરીઓની સુરક્ષા અને છેડતીના બનાવો રોકવા ધોસ બોલાવ્યા બાદ આ વર્ષે મોરબીમાં અર્વાચીન રાસોત્સવનો ક્રેઝ વચ્ચે શેરી ગરબાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. લોકો પોતાના એપાર્ટમેન્ટ, વિસ્તારમાં ઘરઆંગણે જ માતાજીની ખરા અર્થમાં આરાધના કરવાની સાથે પ્રાચીન ગરબાના તાલે રાસ રમી રહ્યા છે.મોરબી શહેરમાં આ વર્ષ નવરાત્રીના નાના મોટા 571 આયોજન થયા છે. જેમાં છથી સાત જેટલા અર્વાચીન રાસોત્સવના આયોજન થયા છે. તો બીજી તરફ પ્રાચીન ગરબી નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સાથે જ આ વર્ષે મોરબીમાં રવાપર રોડ, સામાકાંઠા, જુના મોરબી સહિતના વિસ્તારમાં લોકોએ સામુહિક સોસાયટી અથવા તો વિસ્તાર મુજબ પ્રાચીન ગરબીની જેમ જ ગરબાના તાલે રમવા નાના મોટા આયોજન કર્યા છે અને ઘરના સભ્યોની ઉપસ્થિતિમાં જ બહેનો પારિવારીક માહોલમાં ચિંતા ઉપાધિ વગર મોડી રાત્રી સુધી ગરબાનો આનંદ માણી રહ્યા છે.નોંધનીય છે કે, મોરબીમાં ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી પ્રાચીન ગરબા યોજાય છે. એ જ રીતે એસપી રોડ ઉપર ધ વન અપ નવરાત્રીમાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ છે જેમાં ગઈકાલે કૃષ્ણ સુદામા મિલન નાટીકાનું દીકરીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્કાર રેસિડેન્સીમા પ્રાચીન પરંપરા મુજબ ગરબાનું આયોજન સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.ગોકુળ મથુરા સોસાયટીમાં 1400 બહેનો એક સાથે રમે છે પ્રાચીન ગરબામોરબી શહેરની કેનાલ રોડ પર આવેલ ગોકુળ મથુરા સોસાયટીમાં ઉત્સવ કમિટી દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં સોસાયટીમાં રહેતા 1400 જેટલા બહેનો દીકરીઓ અને સોસાયટીના સૌ કોઈ સભ્યો સાથે ગરબા રમે છે. સોસાયટીના અગ્રણી હિતેશ અદ્રોજા જણાવે છે કે, આજે અર્વાચીન ગરબાના કારણે સમાજમાં બગાડ આવી રહ્યો છે જેને અટકાવવા અમારી સોસાયટીના સભ્યો સાથે મળી પરિવારના સભ્યોની હાજરીમાં આનંદથી ગરબા રમી શકે છે સાથે જ શેરી ગરબાને પણ પ્રોત્સાહન મળતું હોય આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે છે.ઇડન ગાર્ડનમાં દેશી ગરબાના તાલે રમાઈ છે ગરબામોરબીની પ્રથમ હરોળના ગણાતા ઇડન ગાર્ડનમાં દેશી ગરબાના તાલે સોસાયટીના રહેવાસીઓ ગરબા રમી પ્રાચીન સંસ્કૃતિને જાળવવા પ્રયાસ કર્યો છે. સાથે જ સોસાયટીમાં આવા આયોજનને કારણે રહેવાસીઓ વચ્ચે કૌટુંબિક ભાવના જળવાવાની સાથે એકતા વધી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઇડન ગાર્ડનમાં કોઈપણ ડીજે કે ફિલ્મી ગીતોને બદલે માતાજીના પ્રાચીન ગરબા ગાઈ રાસ રમવામાં આવી રહ્યા છે.સોની બજારમાં 100 વર્ષથી જળવાઈ છે પ્રાચીન પરંપરામોરબીની સોનીબજારમાં છેલ્લા 100 વર્ષથી વાઘેશ્વરી માતાજીના મંદિરે પ્રાચીન ગરબીનું આયોજન થાય છે જેમાં 100 જેટલી બાળાઓ પૌરાણિક ગરબાના સુર તાલમાં રાસ લેતી હોય અનોખો માહોલ સર્જાઈ છે જે નિહાળવા લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે. અયોજકના જણાવ્યા મુજબ અગાઉ અહીં પુરુષો જ ગરબા રમતા હતા સમય જતા બાળાઓને ગરબા રમાડી લ્હાણી આપવામાં આવે છે. અહીં પાંચથી 11 વર્ષની બાળાઓ જ રાસ ગરબા રમે છે.વિદ્યુતનગરમાં 45 વર્ષથી સનાતન સંસ્કૃતિ મુજબ ગરબા યોજાઈ છેમોરબીના રવાપર રોડ ઉપર લીલાલહેર નજીક આવેલ વિદ્યુતનગરમાં છેલ્લા 45 વર્ષથી સનાતન સંસ્કૃતિ મુજબ ગરબા થાય છે. આયોજક કાંતિભાઈ પેથાપરા કહે છે કે, અહીં કેસેટ, સીડી કે ટેપ ઉપર ગરબા નહિ પણ ગાઈ, વગાડીને જ ગરબા રમાઈ છે. રવિવારે અહીં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.