માસ્ક અને હેન્ડગલોઝ ફાળવવામાં આવ્યા ન હોય સતત દર્દીઓના સંપર્કમાં રહેતા ફાર્માસિસ્ટ ઉપર તોળાતું જોખમ (જનક રાજા દ્વારા) મોરબી : મોરબીમાં આવેલ જિલ્લાકક્ષાની સિવીલ હોસ્પિટલમાં મહત્વપૂર્ણ દવાનો જથ્થો ખાલી હાલતમાં છે. જ્યારે બીજી બાજુ સતત દર્દીઓના સંપર્કમાં આવતા ફાર્માસિસ્ટોને માસ્ક અને હેન્ડગલોઝ પણ ફાળવવામાં આવ્યા ન હોય તેઓને જીવના જોખમે પોતાની ફરજ નિભાવવી પડી રહી છે. ત્યારે આ મામલે હોસ્પિટલ તંત્ર ત્વરિત પગલાં લ્યે તેવી પ્રબળ માંગ ઉઠી છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. જેમાં મોરબી જિલ્લો પણ બાકાત રહ્યો નથી. તેવામાં મોરબી જિલ્લા કક્ષાની સિવીલ હોસ્પિટલમાં મહત્વપૂર્ણ દવાઓ તેમજ સિરપનો જથ્થો દવા બારીમાં ખાલી છે. જેમાં એમલોડેપીન, એઝ્રીથો, એફએમટી, લેસ્રોટેન એકસ, સ્રીટાઝીન, ડ્રોમ સ્ટાર સિરપ, પીસીએમ સિરપ, એસ્પિરિન + ક્લોપિડોગ્રેલનો સમાવેશ થાય છે. ઉપરાંત ડીએમઆર સિરપ અને ડ્રાઈકલોજેલ નામની દવા લોકલ ડીસ્પેચ હોય જેથી રોજની માત્ર 40 આવે છે. બીજી તરફ દવા બારીમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટ જે કોઈ પણ દર્દીના સિધા કોન્ટેકમાં આવતા હોય છે. છતાં દવા બારીમાં સ્ટાફની કોઈ જ સેફટી જ નથી. દવા બારીમાં ડિસ્પોઝલ માસ્ક અને હેન્ડગલોઝ જ ફાળવવામાં આવતા નથી. જેથી કોઈ પણ દર્દીનો ચેપ ફાર્માસિસ્ટને લાગી શકે છે. પાંચ જ ફાર્માસિસ્ટથી ચાલે છે દવા બારી જિલ્લા કક્ષાની સિવીલ હોસ્પિટલમાં પાંચ ફાર્માસિસ્ટથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. જેમાં બે ઈન્ચાર્જને બાદ કરીએ તો ત્રણ જ ફાર્માસિસ્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને તે પણ કોન્ટ્રાક્ટ બેઇઝના છે. જેમાંથી એક સવારની પાળી (એટલે કે 8 થી 4 ) એક બપોરની પાળી ( 12 થી 8 ) માં અને એક બે ટાઈમ અડધી ડયુટી (9 થી 2 અને 4 થી 6 ) કરવાની હોય છે. ત્યારે જો કોઈ રજા પર જાઈ તો દર્દીઓ ને દવા ડીસ્પેચ કરવામાં ભારે હાલાકી સર્જાય છે. કાયમી અને કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓમાં ભેદભાવ રખાતો હોવાની ઉઠતી ફરિયાદો હોસ્પિટલમાં અલગ-અલગ કેડર માટે કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ આવા કર્મચારીઓમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. કાયમી કર્મચારીઓને ડ્યુટી 6 જ કલાકની હોય છે. અને કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીઓની 8 કલાક ડ્યુટી લેવામાં આવે છે. તો જાહેર રજામાં કાયમી કર્મચારીઓને રજા હોય છે. અને કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓને ફરજ પર આવવાનું રહે છે. અને વર્ક કરવાનુ હોય છે. આમ વ્હાલા-દાવલાની નિતી રાખવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. બીમારી સબબ રજામાં પણ કપાઈ જાય છે સેલેરી એક તરફ સરકાર દ્વારા કોઈ પણ શ્રમિકને ધર બેઠા પગાર આપવાની લોકડાઉનમાં સુચના આપવામાં આવી છે. તો બીજી તરફ સિવીલ હોસ્પિટલ પ્રસાસન પોતાના કર્મચારીઓની બિમારી સબબ રજામાં હોય તો પણ તેઓની સેલેરી કાપી નાખવામાં આવે છે તેવી પણ રાવ ઉઠી છે.