હોસ્પિટલો,ક્લિનિકમાં હાઉસફુલ જેવી લોકોની ભીડ : સીટી સ્કેન કરાવવામાં ચાર-ચાર કલાકનું વેઇટિંગ : પરિસ્થિતિ ગંભીર મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા દસેક દિવસના સમયગાળામાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ હોવાનું સામે આવ્યું છે, સરકારી,ખાનગી હોસ્પિટલોમાં લોકો ઉભરાઈ રહ્યા હોવા છતાં આરોગ્ય વિભાગ દરરોજ 10થી 19 જેટલા કોરોના પોઝિટિવ કેસ બતાવી સબ સલામતનો રાગ આલાપી રહ્યું છે જે મોરબી જિલ્લા માટે ખતરાની નિશાની હોવાનું સાબિત થઇ રહ્યું છે, જો કે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ કતીરાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સરકારના આદેશ મુજબ આરટીપીસીઆર ટેસ્ટ મુજબ જે રિઝલ્ટ આવે તે જ કોરોના પોઝિટિવ હોવાનો સાચો આંકડો છે અને ખાનગી હોસ્પિટલોને પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા ઉપર ભાર મુક્યો હતો. મોરબી શહેર જિલ્લામાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે અને છેલ્લા દસેક દિવસ દરમિયાન કોરોના પોઝિટિવ કેસમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં લોકોની રીતસર ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને લોકો કોરોના સંક્રમિત થયા બાદ સાચી સ્થિતિ જાણવા સીટીસ્કેન કરાવવા પણ દોડ લગાવી રહ્યા હોય મોરબીના સીટીસ્કેન સેન્ટરમાં પણ ત્રણથી ચાર કલાકનુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હાલમાં જિલ્લાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે હાલમાં કેસ વધી રહ્યા છે ત્યારે લોકો માસ્ક,સોશિયલ ડીસ્ટન્સના નિયમનું પાલન કરી વહેલામાં વહેલી તકે લાયક હોય તે લોકો કોરોના રસીકરણ કરાવી લે તે બાબત ઉપર ભાર મુક્યો હતો સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ માટે સીટીસ્કેનના સ્કોરની નહીં પરંતુ આરટીપીસીઆર ટેસ્ટને જ માન્ય ગણાવમાં આવે છે અને ખાનગી હોસ્પિટલોને પણ વધુમાં વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા ઉપર ભાર મુક્યો હતો. જો કે એક વાત તો સ્પષ્ટ છે કે પાછલા દિવસોમાં મોરબીમાં કોરોના વાયરસ ફરી બેકાબુ બનીને ધૂણી રહ્યો છે ત્યારે ટેસ્ટ કે આંકડાની માયાઝાળમાં પડ્યા વગર જિલ્લા આરોગ્ય વિભાગ મોરબી સિવિલ હોસ્પિટલ અને અન્ય જાહેર સ્થળો ઉપર ઓપીડી શરૂ કરાવી સંક્રમણનો ભોગ બનતા અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોનું નિદાન સારવાર કરાવે તો લોકોને ખાનગી હોસ્પિટલોના ખોટા ખર્ચમાંથી બચાવી શકાશે.