સિવિલમાં હજુ પણ બેડના અભાવે કોવિડના દર્દીઓની હાલાકી યથાવત : ઓકિસજનની ટેન્કનો એક દિવસ ઉપયોગ થયા બાદ રીફલિંગ ન થતા દર્દીઓ ફરી બાટલાના સહારે મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની પરિસ્થિતિ એટલી હદે નાજુક બની છે કે રેઢિયાળ તંત્રના પાપે હજુ પણ બેડ માટે દર્દીઓને વલખા મારવા પડે છે. એક તો દર્દીઓની તબિયત લથડી હોય અને ઓક્સિજન સહિતની તાતી સારવાર જરૂરિયાત હોય ત્યારે આ દર્દીઓને 108 કે અન્ય એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સિવિલમાં લવાઈ છે પણ બેડ ન મળતા દર્દીઓને સારવારમાં ભારે વિલંબ થતો હોવાથી કફોડી હાલતમાં મુકાઈ જાય છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં હજુ પણ કોરોનાની ગંભીર પરિસ્થિતિ હળવી થવાનું નામ લેતી નથી. દર્દીઓને મુશ્કેલીઓથી રાહત થાય તેવા હાલ કોઈ એંધાણ દેખાતા નથી. હજુ પણ બેડના અભાવે દર્દીઓને વેઇટિંગમાં રહેવું પડે છે. જેમાં 108 સહિતની એમ્બ્યુલન્સમાં અલગ-અલગ વિસ્તારના દર્દીઓને દાખલ કરવા સિવિલમાં લાવવામાં આવે છે. પણ બેડના કારણે વારો ન આવતા 5 થી 6 જેટલી એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે. જો કે અગાઉ 10 કલાકે દર્દીઓનો વારો આવતો એમાં સમયગાળો ઘટ્યો છે. પણ એમ્બ્યુલન્સની લાઈનો યથાવત જ રહી છે. હજુ પણ સિવિલની બહાર કમ્પાઉન્ડમાં એમ્બ્યુલન્સમાં દર્દીઓને 3થી 5 કલાક સુધી સારવાર માટે તરફડીયા મારવા પડે છે. દર્દીઓને વેઇટિંગને કારણે વારો આવવા માટે ખાસ્સો સમય સુધી ઝઝૂમવું પડે છે. સિવિલમાં 188 બેડ હોવાનો ઓનલાઇનમાં દાવો કરવામાં આવે છે. પણ હકીકતમાં 150ની આસપાસની બેડનો ઉપયોગ થાય છે. બાકીની બેડ મેઇન્ટેનન્સ અને સ્ટાફના અભાવે બંધ હાલતમાં છે. સિવિલમાં હોસ્પિટલમાં ઓકિસજનની ભારે અછત રહેતી હોવાથી ઓકિસજનની અછત પુરી કરવા માટે ત્રણ-ચાર દિવસ ઓકિસજનની ટેન્ક શરૂ કરવામાં આવી હતી. જેથી, ઓકિસજનના બાટલાનો ઉપયોગ ઓછો થાય અને દર્દીઓને ઓકિસજન આપવા ઉભો થતો ગેપ દૂર કરવા માટે આ ટેન્ક શરૂ કર્યા બાદ એક દિવસ ઉપયોગ થઈ શક્યો હતો. કારણ કે રીફલિંગ ન થતા દર્દીઓ ફરી બાટલાના સહારે આવી ગયા છે. આ ટેન્કને ભાવનગર રીફલિંગ કરવા મોકલી છે પણ હજુ સુધી આવી નથી. હાલ સિવિલમાં અંદાજે 450 જેટલી ઓકિસજનની બોટલની જરૂર પડે છે. એટલે પરિસ્થિતિ હજુ યથાવત છે.