ધો. 5માં અભ્યાસ કરતી અદિતિ જીજ્ઞેશભાઈએ અદ્દભૂત પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યુંમોરબી : મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ પાંચની વિદ્યાર્થિની અદિતિ જીજ્ઞેશભાઈએ રાષ્ટ્રીય સ્તરના ગ્રેટેસ્ટ રિયાલિટી શો ઇન્ડિયાનું ગ્રેટેસ્ટ ટેલેન્ટમાં અદ્દભૂત પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ શો ઝી-ટીવી અને 9એક્સએમ ચેનલ પર પ્રસારિત થતો હતો. જેમાં અદિતિએ જયપુર ખાતે આયોજિત ગ્રાન્ડ ફાઇનલમાં ભાગ લઈને તેની અસાધારણ કળા અને પ્રતિભા પ્રદર્શિત કરી. આ સિદ્ધિથી શાળા, તેના કુટુંબ અને સમગ્ર વિદ્યાર્થી વર્ગમાં ઉત્સાહનો સમાવેશ થયું છે. અદિતિની આ જીત તેની સતત મહેનત, સર્જનાત્મકતા અને કળા પ્રત્યેના ઉત્સાહનું પરિણામ છે. શોના જજ તરીકે રાજ શર્મા - જેઓ ડાન્સ પ્લસ, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને ડાન્સ ઈન્ડિયા ડાન્સ જેવા જાણીતા શોમાં બેસ્ટ ડાન્સર તરીકે પ્રખ્યાત છે. તેમના દ્વારા પ્રથમ નંબર પ્રાપ્ત થતા અદિતિએ તેની પ્રતિભાને નવી ઊંચાઈઓ આપી છે. અદિતિએ પોતાની વિશિષ્ટ શૈલીથી દર્શકો અને જજોને મંત્રમુગ્ધ કર્યા હતા. અદિતિની આ સફળતા પર ઓમશાંતિ વિદ્યાલય પ્રમુખ ટી.ડી. પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અદિતિ જેવી પ્રતિભાવાન વિદ્યાર્થીની શાળાનો ભાગ બનીને આપણને અત્યંત ગર્વ અનુભવાય છે. તેની આ સિદ્ધિ શાળાના શૈક્ષણિક અને કુદરતી પ્રતિભા વિકાસના પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ છે. અદિતિ અને તેના માતા રૂપલબેન, પિતા જીજ્ઞેશભાઈ દેસાઈ તથા તેમના પરિવારને શાળા વતી હાર્દિક અભિનંદન. આ જીતથી અદિતિ ન માત્ર તેના પરિવાર અને શાળાનું ગૌરવ વધારે છે. પરંતુ યુવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. ઓમશાંતિ વિદ્યાલય હંમેશા પોતાના વિદ્યાર્થીઓને કળા, રમતગમત અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. અને અદિતિની આ સફળતા તેનું જીવંત પુરાવો છે.