પોલીસે કવાડીયા,પંચમુખીઅને ભવાની નગર ઢોરા વિસ્તારમાંથી ત્રણેયને પકડી લીધા હળવદ : હળવદમાં ગતરાત્રીના હોળી પર્વને લઈ પોલીસ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે કવાડીયા તેમજ હળવદ શહેરના ભવાનીનગર અને પંચમુખી ઢોરા વિસ્તારમાં પીધેલી હાલતમાં ફરતા ત્રણ શખ્સોને ઝડપી લઈ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના હોળી પર્વ હોય જેને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદ પોલીસ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરના પંચમુખી ઢોરા વિસ્તાર પાસે બાઇક નંબર જીજે-૩૬-પી-૪૫૭૨ના ચાલક અલ્પેશ ખોડીદાસ કોળીને પીધેલી હાલતમાં બાઈક સાથે ઝડપી લેવાયો હતો. જ્યારે બીજા બનાવમાં હળવદ તાલુકાના કવાડીયા ગામે જાહેરમાં દારૂ પી લથડીયા ખાતા ધીરુભાઈ શંકરભાઈ કોળીની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ત્રીજા બનાવમાં શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં દારૂ પી જાહેરમાં અપશબ્દો બોલી છાટકા બનેલા અશરફભાઈ અલ્લાબેલીભાઈ બેલીમને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.