સમગ્ર મામલે કાર્યવાહીની માંગ સાથે ગામના આગેવાને એ ડિવિઝન પોલીસ મથકે અરજી કરી મોરબી અપડેટ : મોરબીના શનાળા ગામે ઘુનડા રોડ પર આવેલા વર્ષો જૂના તળાવની પાળ તોડીને પાણીનો નિકાલ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ મામલે શનાળાના આગેવાન પ્રફુલભાઈ પ્રેમજીભાઈ બાવરવા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આગેવાન પ્રફુલભાઈ બાવરવા (રહે. મારુતિ નંદન સોસાયટી, શેરી નં. 2, રવાપર રોડ, મોરબી) એ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે 4 વાગ્યે તળાવ પાસે કોઈ કામગીરી ચાલતી હોવાની માહિતી મળી હતી. શરૂઆતમાં બારીનું પેચ વર્ક થતું હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ સાંજે 6 થી 6:30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે તળાવની પાળ તોડીને, નીચેથી બાકોરું પાડીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.આ અંગે પ્રફુલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ તળાવ 1960 થી 1965 ના સમયગાળામાં બનેલું છે. અગાઉ 2023 માં નાની સિંચાઇ યોજના અંતર્ગત કામગીરી કરવાના પ્રયાસો થયા હતા. જાન્યુઆરી મહિનામાં પણ તળાવની પાળ તોડવામાં આવી હતી જેનું સમારકામ કરવામાં આવ્યું હતું. આ પાળ નબળી હોવાથી, પોતાની નબળી કામગીરી છુપાવવા માટે જ આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. હાલમાં તળાવમાંથી 3 ફૂટ જેટલું પાણી ઉતરી ગયું છે અને પાળની સ્થિતિ એવી છે કે વધુ 2 ફૂટ પાણી ભરાય તો તે તૂટી જાય તેવા સંજોગો છે. વારંવાર જાહેર મિલકતને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાથી અને દર વખતે સમારકામનો પ્રશ્ન ઊભો થતો હોવાથી અંતે આ મામલે પોલીસમાં લેખિત અરજી આપવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Shanala #LakeDamage #PoliceComplaint #PublicProperty #GujaratNews