વિહિપના કાર્યકરોને તપાસમાં બાઈબલ, હાજરી પત્રક અને મૂર્તિ પૂજા વિરોધી લખાણો મળી આવ્યા : મોરબી પોલીસ દ્વારા નિવેદનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈમોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા રણછોડનગર નજીક એક શોપિંગ સેન્ટરમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મજૂર વર્ગના હિન્દુઓને ભેગા કરી ધર્માંતરણનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અહીં અંદાજે 150 લોકોને આ સ્થળે દર અઠવાડિયે એકત્ર કરી પ્રાર્થના કરાવવામાં આવતી હતી. વિહિપના કાર્યકરોએ ઘટનાસ્થળે પોહચીને પોલીસને જાણ કરતા હાલ પોલીસ દ્વારા નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ સહ મંત્રી કમલ દવેએ જણાવ્યું હતું કે, તેમને માહિતી મળી હતી કે નવલખી રોડ પર ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલી રહી છે. વિહિપના કાર્યકરો ત્યાં પહોંચતા જ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ત્યાં તપાસ કરતા હાજર હિન્દુઓ પાસેથી બાઇબલ અને હાજરી પત્રક મળી આવ્યા હતા. હાજરી પત્રકમાં દિવસમાં કેટલી વાર બાઇબલ વાંચ્યું તેની નોંધ રાખવામાં આવતી હતી. વધુમાં એવો પણ આક્ષેપ છે કે, બીમારી ડોક્ટર નહીં પરંતુ ઈસુ ખ્રિસ્ત મટાડી શકે છે તેવી અફવા ફેલાવી અને આર્થિક લોભ-લાલચ આપીને ભોળા લોકોને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.મોરબી શહેર વિહિપ પ્રમુખ કમલેશ બોરીચાએ આ અંગે જણાવ્યું હતું કે, સ્થળ પરથી મૂર્તિ પૂજા ન કરવા અંગેના લખાણ વાળા પરિપત્રો પણ મળી આવ્યા છે. કોઈપણ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે 150 જેટલા લોકોને એક હોલમાં ભેગા કરવામાં આવ્યા હતા. કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાય કે લોભ-લાલચ આપીને ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિ મોરબીમાં ચલાવી લેવામાં આવશે નહીં. હાલ આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.બળજબરીથી કોઈ ધર્માંતરણ નહીં, માત્ર પ્રાર્થના સભાનું આયોજન : ખ્રિસ્તી કાર્યકરનો બચાવઆ પ્રાર્થનાસભાના સંચાલકે પોતે હ્યુમન રાઇટ્સ સાથે જોડાયેલ સોશિયલ વર્કર હોવાનું જણાવીને કહ્યું કે તેઓ એક હોલમાં પ્રાર્થના સભા ચલાવે છે, જ્યાં પ્રભુ ઈશુમાં આસ્થા ધરાવતા અને બહારથી આવેલા લોકો અઠવાડિયામાં એક વાર ભેગા મળીને પ્રાર્થના કરે છે. આ સભામાં ખાસ કરીને ભારતના વિવિધ ભાગોમાંથી અને નેપાળથી કામ અર્થે આવેલા શ્રમિકો જોડાય છે. તેમણે બળજબરીપૂર્વક ધર્માંતરણના આક્ષેપોને ફગાવી દેતા કહ્યું હતું કે, અહીં કોઈને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું નથી કે કોઈ અન્ય ધર્મ કે મૂર્તિપૂજાનો વિરોધ કરવાનું શીખવાડવામાં આવતું નથી. લોકો પોતાની આસ્થા અને ઈચ્છાથી બાઇબલ પોતાના ખર્ચે ખરીદે છે અને વાંચે છે. આ સ્થળે માત્ર પ્રાર્થના અને ફેમિલી કાઉન્સેલિંગનું જ કામ થાય છે અને દેશમાં તમામ ધર્મો પ્રત્યે સમાન આદર રાખવામાં આવે છે.હાલ આ સમગ્ર બનાવ અંગે મોરબી પોલીસે તપાસ શરૂ કરી છે. અને તમામના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #VHP #NavlakhiRoad #MorbiPolice #Gujarati news