મોરબી : ઘુંટુની રામકો વિલેજ સોસાયટીમાં પાણી, રોડ, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ સરપંચનું કહેવું છે કે આ વિસ્તારના લોકો વેરો ભરતા નથી. રામકો વિલેજ સોસાયટીમાં રહેતા હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આજે ઘુંટુ ગ્રામ પંચાયતની સભા હતી. જેમાં અમે સોસાયટીના લોકો ગયા હતા અને રોડ, રસ્તા, પાણી સહિતની સુવિધાઓની માગણી કરી હતી. પરંતુ તલાટી મંત્રી અને સરપંચે ઉગ્રતાથી વાત કરી હતી. સુવિધાઓ બાબતે અમે અનેક વખત કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિતનાઓને રજૂઆતો કરી છે. વેરો ભરવાની વાત હોય તો અમે અગાઉ વેરો ભરવા ગયા છીએ પરંતુ વેરો સ્વીકાર્યો ન હતો. સરપંચ અમારી સોસાયટીના કામ કરવા ઈચ્છતા નથી તેવું અમોને લાગી રહ્યું છે. જો હવે કામ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આ અંગે ઘુંટુના સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી રામકો વિલેજ સોસાયટીમાં કચરો લેવા માટે ટ્રેકટર જાય છે. રામકો વિલેજ સોસાયટીના રહીશો દ્વારા મિલકતવેરો કે પાણી વેરો ભરવામાં આવતો નથી. હાલ ગ્રામ પંચાયત પાસે ગ્રાન્ટ પણ નથી. જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે તમામ સોસાયટીનો સમાંતર વિકાસ થશે. સોસાયટીના લોકો રેગ્યુલર વેરો ભરશે ત્યારપછી કામગીરી કરવામાં આવશે.