બજારની રોનક પરત ફરતા વેપારીઓના ચહેરા પર ખુશી મોરબી: આખરે દિવસો બાદ મોરબીની તમામ બજારો આજે શુક્રવારે અડધો દિવસ માટે ખુલતા વેપારીઓ અને નાગરિકોના ચહેરા પર મુક્તિનો આનંદ જોવા મળ્યો હતો. આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ આર્થિક ગતિવિધિઓ પર વધતા કોરોના સંક્રમણને કારણે પાછલા અઠવાડીયાઓથી બ્રેક લગાવાઈ હતી. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંશિક લોકડાઉનમાં થોડી વધુ છૂટ આપતા તમામ વેપાર સંકુલો, દુકાનો, રેંકડી, ફેરિયાઓને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ધંધા રોજગારનાં સ્થળો ખુલ્લા રાખવાની છૂટ આપી હતી. જો કે, મોરબી સહિત રાજ્યના 36 શહેરોમાં રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધીના રાત્રી કરફ્યૂમાં કોઈ છૂટ હાલ અપાઈ નથી. આજે તારીખ 21ને શુક્રવારથી તારીખ 27ને ગુરુવાર સુધી આંશિક લોકડાઉનમાં આંશિક છૂટ આપવાની જાહેરાત મુખ્યમંત્રી રૂપાણીએ ગઈકાલે ગુરુવારે સાંજે કરતા જ વેપારીઓ અને નાગરિકોએ લાંબા સમય બાદ રાહતનો શ્વાસ લીધો હતો. આજે સવારે 9 વાગ્યે મોરબીની તમામ બજારો રાબેતા મુજબ ખુલતા જ લોકોની ચહેલપહેલ જોવા મળી હતી. દિવસો સુધી દુકાનો બંધ પડી હોય વેપારીઓ ખુલતી બજારે દુકાનોની સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા. લોકોની અટકી પડેલી ખરીદી આજથી શરૂ થતાં જ વેપારીઓ, ધંધાર્થીઓના ચહેરા પર ચમક જોવા મળી હતી. જો કે, મોરબીની બજારોમાં હજુ પણ ઘણા નાગરિકો માસ્કવિના ફરતા જોવા મળ્યા હતા. કોરોનાની મહામારી હજુ ગઈ નથી, માત્ર કાબુમાં આવી છે. નાગરિકોનો વધુ પડતો આત્મવિશ્વાસ પરિસ્થિતિ બગાડી શકે છે એ સમજીને નાગરિકોએ કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવામાં બેકાળજી રાખવી જોઈએ નહીં એવું તજજ્ઞો કહી રહ્યા છે. સવારે 9 કલાકે શરૂ થયેલી બજારો બપોરે 3 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે અને રાત્રી કરફ્યૂ રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી આવતી 27 તારીખ સુધી યથાવત રહેશે. પરિસ્થિતિની સમીક્ષા કરી 27 મેના રોજ આગળની વ્યવસ્થા નક્કી કરવામાં આવશે.