રાષ્ટ્રગીત વંદેમાતરમને 150 વર્ષ પૂર્ણ થયા : તમામ કચેરીમાં મૂળ સ્વરૂપમાં રાષ્ટ્રગાન કરી સ્વદેશીના શપથ લેવાશે મોરબી : રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં આવતીકાલે તમામ સરકારી કચેરી, મહાનગર પાલિકા, નગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની કચેરીઓ આવતીકાલે એક દિવસ માટે એક કલાક વહેલી શરૂ થશે અને સાંજે એક કલાક વહેલી બંધ થશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ કચેરીઓમાં સમૂહ રાષ્ટ્રગાન તેમજ સ્વદેશી વસ્તુના વપરાશ અંગે શપથ લેવા આદેશ આપવામાં આવ્યો છે.વર્ષ 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એકસૂત્રતતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એકતાંતણે બંધાઈ હતી. જેના ભાગરૂપે રાષ્ટ્રગીતને આવતીકાલે 150 વર્ષ પૂર્ણ થતા હોય રાષ્ટ્રગીતના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવા નક્કી કર્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ સંદર્ભે તમામ સરકારી-અર્ધ સરકારી કચેરીઓના રોજિંદા સમય 10.30થી 6.10માં ફેરફાર કરી આવતીકાલે તમામ કચેરીઓ 9.30 કલાકે શરૂ કરી સાંજે 5.30 કલાકે પૂર્ણ કરવા સૂચના આપી તમામ કચેરીઓમાં વંદેમાતરમ રાષ્ટ્રગીતનું મૂળ સ્વરૂપમાં સમૂહગાન અને સ્વદેશી ચીજવસ્તુના વપરાશ અંગે શપથ લેવા પરિપત્ર કર્યો છે.