સામે જ પોલીસ ચોકી હોવા છતા પણ દારૂડીયાઓ ઉપર કોઈ કાર્યવાહી નહિમોરબી : મોરબીમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય ખુલ્લેઆમ દારૂની લે-વેચ અને પીવાય છે. પણ વીસીપરામાં તો હદ થઈ છે. ગર્લ્સ હાઇસ્કૂલના ગેટ પાસે જ દરરોજ દારૂની મહેફિલો જામે છે. ત્યારે સ્થાનિકોએ કડક પોલીસ કાર્યવાહીની માંગ કરી છે. મોરબીમાં આમ તો દારૂ જોઈએ ત્યાં મળી જાય તે વાત તો જગજાહેર છે. પણ વીસીપરામાં દારૂડીયાઓ શરમ નેવે મૂકી ગર્લ્સ હાઇસ્કૂલના ગેટ પાસે જ ખુલ્લેઆમ મહેફિલો જમાવીને પોટલીઓ પીવે છે. આ ન્યુસન્સને કારણે શાળાએ આવતી દીકરીઓનું માથું શરમથી ઝૂકી જાય છે. જો કે અચરજની વાત તો એ છે કે દારૂડીયાઓના આ અડ્ડાની સામે જ પોલીસ ચોકી આવેલી છે. છતાં રોડ ઉપર ખુલ્લેઆમ આવી ગેરકાનૂની પ્રવૃતિ વગર રોકટોક થઈ રહી છે. ત્યારે આ મામલે બી ડિવિઝન પોલીસ કડક વલણ દાખવી કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.