માટેલધામમાં રાસ ગરબાની સાથે ખોડિયાર માતાનું આખ્યાન ભજવાશે મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ આઈશ્રી ખોડિયાર માતાજીના ધામ માટેલધામમાં આજથી નવરાત્રી મહોત્સવ શરૂ થતાં જ માતાજીની ભક્તિ કરવામાં આવી છે. નવરાત્રીના પ્રથમ નોરતે માટેલ ખોડીયાર મંદિરે માતાજીને આભૂષણો તેમજ ફૂલોની રંગોળી કરી શણગાર કરાયો હતો. જો કે માટેલધામમાં આજથી રાસ ગરબાની સાથે ખોડિયાર માતાનું આખ્યાન ભજવાશે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણતા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જ્યાં સાક્ષાત આઇશ્રી ખોડિયાર માતાજીના બેસણા છે તે માટેલધામમાં આ વખતે પણ નવરાત્રીની ધર્મોલ્લાસભેર ઉજવણી આજથી શરૂ કરવામાં આવી છે. નવરાત્રીમાં દરરોજ સવાર સાંજ ખોડિયાર માતાજીની ભક્તિભાવથી મહાઆરતી કરવામાં આવી રહી છે. નવરાત્રીમાં દરરોજ રાત્રે જંગદબા સ્વરૂપા બાળાઓ વિવિધ માતાજીની વેશભૂષામાં રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરાશે. તેમજ દરરોજ રાત્રે 10 વાગ્યે ખોડિયાર મંડળ દ્વારા આઈશ્રી ખોડિયાર માતાજીનું આખ્યાન રજૂ કરશે. તેમજ પૂજા અર્ચના અને દરરોજ દૂર દૂરથી ચાલીને આવતા ભાવિકો નવરાત્રીમાં માતાજીની ભક્તિ કરશે.