યદુનંદન ગૌશાળામાં યોજાયો રક્ષાબંધનનો વિશેષ કાર્યક્રમ મોરબી : મોરબીમાં આહીર મહિલા મંડળના બહેનોએ યદુનંદન ગૌશાળા ખાતે મનોદિવ્યાંગોના કાંડે રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી કરી હતી. આ વેળાએ મનોદિવ્યાંગ વડીલોની આંખોમાં પણ બહેનો પ્રત્યે લાગણીનો ભાવ જોવા મળ્યો હતો.રક્ષાબંધન એ ભાઈ અને બહેનો વચ્ચેના સ્નેહનો પર્વ છે. ત્યારે તહેવારોની ખરા અર્થમાં ઉજવણી કરતા આહીર મહિલા મંડળ દ્વારા યદુનંદન ગૌશાળા ખાતે રક્ષાબંધન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના બહેનોએ નિરાધાર તથા મનોદિવ્યાંગ ભાઈઓને રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ કલ્પનાબેન જલુ, ઉપપ્રમુખ ડો.હર્ષાબેન મોર, મંત્રી નંદનીબેન નાટડા, સહમંત્રી નીતાબેન હૂંબલ, ખજાનચી ભારતીબેન વારોતરિયા, ટીનાબેન ભોચીયા સહિતના જોડાયા હતા.