મોરબી : મોરબી જિલ્લાના આમરણ ચોવીસી પંથકના કોયલી મુકામે આહિર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ (મોરબી-જામનગર-રાજકોટ) ના ઉપક્રમે ૧૮મો સમૂહ લગ્નોત્સવ પરંપરાગત રીતે અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ મંગલ અવસરે ૨૩ નવયુગલોએ અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાણવડ વિસ્તારના ધારાસભ્ય મુળુભાઈ બેરા તેમજ મુખ્ય મહેમાન તરીકે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ખાસ હાજરી આપી હતી. મહેમાનોનું ઢોલ-ત્રાસાના નાદ સાથે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.આ તકે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને જોડિયા તા. પંચાયતના પૂર્વ અધ્યક્ષ તેમજ જામનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકના ડિરેક્ટર જીવણભાઈ કુંભરવાડિયા, વિક્રમભાઈ ખુંગલા, દેવદાનભાઈ ઝારિયા, હીરાભાઈ જીલરીયા, રતિભાઈ ખુંગલા, મુળુભાઈ કુંભરવાડિયા વગેરે અગ્રણીઓએ મહેમાનો તથા દાતાઓનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે સમાજના આશરે ૩૦૦૦ જેટલા લોકોએ હાજરી આપી લગ્નોત્સવને માણ્યો હતો.સરકારના ગતિશીલ અભિગમને સાર્થક કરતા, નવયુગલોને સ્થળ પર જ મેરેજ સર્ટિફિકેટનું વિતરણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું, જે એક સરાહનીય બાબત હતી.કાર્યક્રમના અધ્યક્ષ મુળુભાઈ બેરાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, 'આજે આહિર સમાજ સમય સાથે કદમ મિલાવીને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યો છે. સમૂહ લગ્ન તેમજ અન્ય મેળાવડા જેવા પ્રસંગોના માધ્યમથી સમાજમાં એકતા, સંગઠન અને ભાઈચારાની ભાવના પ્રબળ બને છે.' તેમણે સમાજને બચતની 'શુભ લક્ષ્મી' શિક્ષણ ક્ષેત્રે વાપરવા અનુરોધ કર્યો હતો. વધુમાં, સમૂહ લગ્ન સમિતિ દ્વારા ધ્રોલ ખાતેના કન્યા છાત્રાલયમાં વધુ વિકાસાર્થે અનુદાન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.