16 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે કામગીરી: VLE, VCE, ફાર્મર ફ્રેન્ડ સહિતના યુવાનોને સર્વે કામગીરીમાં જોડાવા કૃષિ વિભાગનું આહ્વાનમોરબી અપડેટ : ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ખરીફ સિઝન 2026 માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે (DCS) ની કામગીરી તારીખ 16 ઓગસ્ટ 2026 થી શરૂ કરવામાં આવી છે, જે આગામી તારીખ 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ સર્વેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે જે તે ગામના VLE, VCE, ફાર્મર ફ્રેન્ડ તેમજ ગામના એન્ડ્રોઇડ મોબાઇલ અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ જાણતા વ્યક્તિઓને જોડાવા માટે કૃષિ વિભાગ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.આ સર્વે કામગીરી કરનાર સર્વેયરોને પૂર્ણ કરાયેલા પ્રત્યેક સર્વે દીઠ ₹10/- નું મહેનતાણું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધું તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે. આ ઉપરાંત જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવેલી છે, તેવા ખેડૂતો પોતાના એન્ડ્રોઇડ મોબાઇલમાં પોતાની ખેતીની જમીનનો પાક સર્વે જાતે પણ કરી શકશે, જેના માટે ખેડૂતોએ પોતાના ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે.સર્વે કામગીરીમાં જોડાવા રસ ધરાવતા વ્યક્તિઓ સંબંધિત તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા, તલાટી કમ-મંત્રી, ગ્રામ સેવક (ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી), ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) - મોરબી કચેરીનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે છે. મોરબી જિલ્લાના તમામ ખેડૂતો, ગ્રામ પંચાયતના સરપંચો તેમજ ગ્રામજનોને આ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે પૂરતો સહકાર આપવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #AgriStack #DigitalCropSurvey #Kharif2026 #FarmerRegistry #AgricultureDepartment #KhedutVikas #MorbiFarmers #MorbiNews #GujaratNews