મોરબી : મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા સામાજિક વનીકરણ રેન્જના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેતીમાં ખાતરનો ઉપયોગ તથા એગ્રો ફોરેસ્ટ્રી યોજનાની જાણકારી આપવા અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ખેતીવાડી અધિકારી ગમનસિંહ ઝાલાએ ઉપસ્થિત લોકોને આવકાર્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાત ડો. હેમાંગીબહેન મહેતાએ જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં અધ્યક્ષ તરીકે ડો. ડી. એસ. હિરપરા, એસોસિએટ ડાયરેક્ટર ઓફ રિસર્ચ અને સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, તરઘડીયાના વડાએ ખેડૂતોને જમીનને વધુ ઉપજાઉ બનાવવી, ખાતરનો યોગ્ય ઉપયોગ તથા પશુપાલન વિષે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમના મહેમાન તરીકે ગોર-ખીજડીયા ગામના પૂર્વ સરપંચ શિવલાલભાઈ તથા હાલના સરપંચ રતિલાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ખેતીવાડી અધિકારી વિનુજી ઠાકોરે આભારવિધિ કરી હતી.