ઓનલાઈન વીમા પોલિસીના વેંચાણ, કમિશન સહિતની માંગોને લઈને કમિશન એજન્ટોનું વર્ક ડાઉન મોરબી: ઓલ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે મંગળવારે શાંતિપૂર્ણ હડતાળ કરી પોતાની પડતર માંગો પુરી કરવા ભારતભરમાં રોષપૂર્ણ બંધ પાળવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી ખાતે પણ જીવન વીમા એજન્ટોએ શાંતિપૂર્ણ રીતે આ હડતાળને ટેકો આપી બંધમાં જોડાયા છે. છેલ્લા એક વર્ષથી જીવન વીમા એજન્ટો પોતાની વિવિધ માંગણીઓને લઈને ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી રહ્યા હતા. છતાં સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે મંગળવારે રાષ્ટ્રવ્યાપી હળતાલનું એલાન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને મોરબીમાં પણ વીમા એજન્ટોએ બંધ પાળી પોતાની માંગણીઓ પુરી કરવા માટે જીવન વીમા ઓફિસના મેનેજરને આવેદન આપ્યું હતું. મોટા શહેરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી દરેક જગ્યાએ જીવન વીમા એજન્ટો અચૂકપણે કાર્યરત હોય છે. ભારતીય જીવન વીમા એજન્ટોનું ખૂબ મોટું નેટવર્ક ભારતભરમાં પથરાયેલું છે. જીવન વીમા પોલિસીને જન જન સુધી પહોંચાડવામાં આવા વીમા એજન્ટની આજ સુધી મુખ્ય ભૂમિકા રહી છે. જો કે ખાનગી વીમા કંપનીઓના ભારતમાં પ્રવેશ બાદ એલ.આઈ.સી. સામે સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ સરકાર એલ.આઈ.સી.નો આઇપીઓ લાવવા જઈ રહી છે. એલઆઇસીની અમુક ટકા હિસ્સેદારી શેર માર્કેટ મારફત સરકાર વેંચવા જઈ રહી છે ત્યારે વિમાકર્મીઓ તથા એજન્ટો દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો છે. વળી ડાયરેકટ માર્કેટિંગ તથા ઓનલાઈન વીમો લઈ શકાય એવી નવી વ્યવસ્થાનો વીમા એજન્ટો ભારપૂર્વક વિરોધ કરી રહ્યા છે. આનાથી વીમા એજન્ટોને પોતાની રોજી-રોટી છીનવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. આવા વિવિધ કારણોને લઈને વીમા એજન્ટોની રાષ્ટ્રીય સંસ્થા (યુનિયન) આજે મંગળવારે એક દિવસીય હડતાળ પર છે.