ઓવરબ્રિજ નીચેથી પસાર થવામાં જોખમ, તોલા રંગાઈ જવાની ભીતિ : માર્ગ અને મકાન વિભાગના રાજકોટના અધિકારી ફોન ઉપાડવાની તસ્દી પણ નથી લેતા મોરબી : મોરબી બાયપાસ ઉપર નવલખી ફાટકે બનાવવામાં આવેલ ઓવરબ્રિમાંથી અગાઉ સ્લરી પોપડા ખરવાનું શરૂ થયા બાદ વધુ એક વખત અહીંથી પસાર થતા લોકોના તોલા રંગાઈ જાય તેવી સ્થિતિ વચ્ચે ઉપરથી સિમેન્ટ સ્લરીના વજન વાળા પોપડા ખરતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જો કે, આ પુલ રાજકોટ માર્ગ અને મકાન વિભાગના અંડરમાં આવ છે પરંતુ અધિકાર આ ગંભીર બાબતે જવાબ આપવા ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટક ઉપર કરોડોના ખર્ચે નિર્માણ કરાયેલ ઓવરબ્રિજને બે વર્ષ થવા છતાં કોન્ટ્રાકટર દ્વારા બ્રિજ નિર્માણ સમયે વધારાના સિમેન્ટના પોપડા દૂર કરવા જોઈએ તે કર્યા ન હોવાથી વધારાના સિમેન્ટ સ્લરીના પોપડા ગમે ત્યારે ખરી રહ્યા હોવાથી નવલખી ફાટકના ઓવરબ્રિજ નીચેથી પસાર થતા લોકો માટે પસાર થવું જોખમી બન્યું છે. આ અગાઉ પણ આવા પોપડા ખરતા માર્ગ અને મકાન વિભાગ રાજકોટના અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને સિમેન્ટની સ્લરીના પોપડા હોવાનો રિપોર્ટ કરી પોબારા ભણી ગયા હતા.દરમિયાન શનિવારે ફરી એક વખત નવલખી ઓવરબ્રિજમાંથી સિમેન્ટના વજનદાર પોપડાઓ નીચે ખરવાનું શરુ થતા અહીંથી પસાર થતા નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, સિમેન્ટ સ્લરીના પોપડા ખરવા મામલે રાજકોટ માર્ગ અને મકાન વિભાગના અધિકારી કે.એન.ઝાલાનો સંપર્ક સાધવા પ્રયાસ કરવામાં આવતા તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી, નોંધનીય છે કે, ઓવરબ્રીજમાંથી સિમેન્ટ સ્લરીના પોપડા દૂર કરવા જેવી સામાન્ય કામગીરી કરવામાં પણ માર્ગ અને મકાન વિભાગ કોન્ટ્રાકટરોને છવારવા મૌન બની રહ્યું હોવાની છાપ ઉપસી છે.