રાતડીયા પરિવારના બન્ને ભાઈઓના બાળકોના 13 મહિના પહેલા વોંકળામાં ડૂબી જવાથી થયા હતા મોત : બન્નેના ઘરે ફરી પુત્ર રત્નો અવતરતા હર્ષોલ્લાસમોરબી અપડેટ : હળવદ તાલુકાના કડિયાણા ગામે 13 મહિના પહેલાં સર્જાયેલી કરુણાંતિકા હવે ભાવસભર વળાંક પર આવીને ઊભી છે. 30 મે 2025ના રોજ ગામના પાદરે આવેલા ખેતર નજીકના વોંકળામાં ભરાયેલા વરસાદી પાણીમાં ન્હાવા પડેલા મુન્નાભાઈ રાતડીયાનો 13 વર્ષીય પુત્ર આદિત્ય અને તેમના જ સગા ભાઈ મુકેશભાઈ રાતડીયાનો 12 વર્ષીય પુત્ર પ્રિન્સ - પાણીના ઊંડા ખાડામાં ડૂબી જતાં બંનેના કરુણ મોત નીપજ્યાં હતાં. ગ્રામજનોએ તાત્કાલિક દોડી જઈને બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતાં બંને પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.એક જ પરિવારના બે સગા ભાઈઓએ પોતાના દીકરાઓ એક સાથે ગુમાવ્યા હોવાની ઘટનાએ સમગ્ર કડિયાણા ગામ અને પંથકને હચમચાવી નાખ્યું હતું. ગામલોકોના મતે, આ બંને બાળકો ગામમાં હળીમળીને રહેતા અને રમતિયાળ સ્વભાવના હોવાથી તેમના અવસાનથી ગામનું વાતાવરણ લાંબા સમય સુધી ગમગીન રહ્યું હતું. બંને પરિવારો માટે આ સમય અત્યંત કપરો રહ્યો, જ્યાં દીકરાની ખોટ પૂરી ન શકાય તેવી અનુભવાતી હતી.પરંતુ સમય જતાં કુદરતે જાણે આ બંને પરિવારો પર કૃપાદ્રષ્ટિ કરી હોય તેમ, બંને ઘરોમાં ફરી પારણું બંધાયું. મુન્નાભાઈના ઘરે અંદાજે ત્રણ મહિના અગાઉ પુત્રનો જન્મ થયો હતો, જ્યારે મુકેશભાઈના ઘરે ગઈકાલે રાત્રે પુત્રનો જન્મ થતાં પરિવારમાં આનંદની લહેર દોડી ગઈ. બંને ભાઈઓના ઘરે એક-એક પુત્રની ખોટ સામે ફરી એક-એક પુત્રનું આગમન થતાં પરિવાર તેને ઈશ્વરીય ચમત્કાર ગણાવી રહ્યો છે.