મુખ્ય બજારોની દુકાનો, મોટા શોરૂપ સહિત દરેક વાણિજ્ય સંકુલોમાં આજે વેપારીઓએ લાભપાચમનું શુભમુહૂર્ત કર્યુંમોરબી : મોરબીમાં છેલ્લા ઘડી સુધી તમામ લોકોએ દિવાળીનું બમ્પર શોપિંગ કરતા વેપારીઓ સારો નફો થવાથી હરખાઈ ઉઠ્યા હતા અને દિવાળી બાદ બેસતા વર્ષના દિવસે ઘણા વેપારીઓ પરિવાર સાથે હરવા ફરવાના સ્થળે ઉપડી ગયા બાદ રજાઓ પુરી થતા આજે વર્ષોથી લાભપાંચમે નવા વર્ષના ધંધાનો શુભારંભ કરવાનું શુકનવતી મુહૂર્ત હોવાથી તમામ વેપારીઓ આજે લાભપાંચમનું શુકન સાચવ્યું હતું. મોરબીની મુખ્ય બજારોમાં પરાબજાર, નવા ડેલા રોડ, નહેરુ ગેઇટ ચોક આસપાસની બજારો, ગ્રીનચોક તરફની સોની બજાર સહિતની અન્ય તમામ ચીજવસ્તુઓની દરબાર ગઢ સુધી આવેલી દુકાનો, શાક માર્કેટ પાસેની કરીયાણા, સાડી સ્ત્રીઓ માટે વિવિધ કપડાંની દુકાનો, જેલ રોડની હોલસેલની તમામ ચીજવસ્તુઓની દુકાનો, નહેરુ ગેઇટથી જુના બસ સ્ટેન્ડ તરફની દુકાનો, જુના બસ સ્ટેન્ડથી અયોધ્યાપુરી મેઈન રોડ, રવાપર રોડ અને શનાળા રોડ, રામચોક, ગાંધીચોક, લાતીપ્લોટના નાના મોટા ઉધોગો સહિતની બજારોમાં આવેલી દુકાનો આજે લાભપાંચમે વેપારીઓએ લાભપાંચમની શુકનવંતી બોણી કરી હતી. દરેક દુકાનો, મોટા શોરૂમ, ઉધોગો, વેપારી સંકુલો, સોની બજારમાં વેપારીઓ આજે પરંપરાગત રીતે શ્રીફળ વધેરી, સાંકળ સાથેનો પ્રસાદ અર્પણ કરી લક્ષ્મી માતાજીનું પૂજન કરી નવા વર્ષના વેપારના શ્રીગણેશ કર્યા હતા. વેપારીઓ લાભપાચમે આજે બોણી કરીને શુકન સાચવ્યું હતું. જો કે હજુ દિવાળીની રજાનો મૂડ બજારોમાં જોવા મળતો હોવાથી આવતીકાલે રવિવાર સુધી રજાઓનો આનંદ માણી સોમવારે બધી જ બજારો અને દુકાનો તેમજ સરકારી કચેરીઓ કાર્યરત થશે અને સોમવારથી નવા વર્ષના શ્રીગણેશ કરીને બધું જ રાબેતા મુજબ ધમધમતું થશે.