તંત્ર દ્વારા દરેક સ્ટોલ પર ડસ્ટબિન રાખવા અને નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહીની ખાતરીમોરબી અપડેટ : મોરબીના જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા લોકમેળા બાદ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેળાના ગ્રાઉન્ડ પર વિશાળ મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્વયંસેવકોએ જાતે મહેનત કરીને ગ્રાઉન્ડમાંથી 18x36 સાઈઝની 57 મોટી બેગ ભરીને પ્લાસ્ટિક કચરો એકઠો કર્યો હતો. આ સફાઈ કાર્ય બાદ માત્ર સ્વયંસેવકો પર નિર્ભર રહેવાને બદલે કાયમી ઉકેલ લાવવા માટે સંસ્થા દ્વારા વહીવટી તંત્રના સહકારની માંગ કરાઈ હતી.તંત્ર સાથે બેઠક અને સકારાત્મક પ્રતિસાદ આ મુદ્દે કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરવ જાની અને ટીમ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર તેમજ મામલતદાર અલ્પેશભાઈ પરમારની મુલાકાત લેવામાં આવી હતી. આ બેઠક અત્યંત ફળદાયી રહી હતી અને વહીવટી તંત્ર દ્વારા સંસ્થાની માંગણીને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે.તંત્ર દ્વારા જણાવાયું હતું કે, મોરબી જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર સાતમ-આઠમ સહિતના તમામ લોકમેળાઓમાં દરેક સ્ટોલની બહાર ફરજિયાત ડસ્ટબિન રાખવામાં આવશે. રાત્રે મેળાના કચરાનો યોગ્ય અને સમયસર નિકાલ કરવામાં આવશે. નિયમોનું પાલન ન કરનારા આયોજકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાશે. જિલ્લાના તમામ મેળા આયોજકોને સત્તાવાર સૂચના આપીને કડક અમલ કરાવવાની ખાતરી અપાઈ છે.મેળો એ ઉત્સવ અને આનંદ માણવાનું સ્થળ છે, કચરો કરવાનું નહીં—આ સંદેશને જન-જન સુધી પહોંચાડવા સંસ્થા કટિબદ્ધ છે. તંત્રના આ સકારાત્મક સહકાર બદલ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટર અને મામલતદારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #KalyanTrust #CleanlinessDrive #JadeshwarMahadev #MorbiNews #SwachhBharat #DistrictAdministration #GujaratNews