સ્ટીલ,રબ્બરના ભાવ વધતા સાયકલના ભાવમાં 300થી 500નો વધારો મોરબી : પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ જોતા લોકો હવે ફરી સાયકલ તરફ પાછા વળી રહ્યા છે પરંતુ સાયકલના ભાવમાં પણ રૂ.300થી 500નો ભાવવધારો ઝીંકાતા હવે લોકોને ટાંટિયા ગાડી એટલે કે પગપાળા ચાલવા સિવાય વિકલ્પ બચ્યો નથી. સ્ટીલ અને રબ્બરના ભાવમાં આવેલા ઉછાળાને કારણે સાયકલ ઉત્પાદક હીરો,એવન,હરક્યુલસ સહિતની કંપનીઓ દ્વારા સાયકલના ભાવમાં રૂપિયા 300થી 500 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે આ ઉપરાંત ઈમ્પોર્ટેડ સાયકલના ભાવમાં તો 1000થી પણ વધુનો ભાવ વધારો થયો છે. મોરબીમાં હાલમાં 15થી 20 જેટલા સાયકલ વિક્રેતાઓ આવેલા છે અને રૂ.1400થી લઈ રૂપિયા 15000 સુધીની સાયકલનું વેચાણ કરી રહ્યા છે.મોરબીના રાજેશ સાયકલ વાળા સંજયભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે કંપનીઓ દ્વારા ભાવવધારો કરવામાં આવતા હાલમાં મોરબીમાં 100થી 300 સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.