ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રિલાયન્સ લક્ઝરી હોટેલ્સ, રિસોર્ટ બનાવવાનો પ્લાન મોરબી : પેટ્રોલ-ડીઝલ, મોલ, મોબાઇલ બાદ હવે રિલાયન્સ કંપનીએ ગુજરાતમાં સરદાર સરોવર ડેમ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક હોટેલ, લક્ઝરી રિસોર્ટ્સ, હાઉસ બોટ સહિતની સુવિધાઓ ઉભી કરશે. આ સ્થળે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવતા હોવાથી બિઝનેસની પુષ્કળ તકો હોય રિલાયન્સે હોટલ ઉદ્યોગક્ષેત્રે ઝંપલાવ્યું છે. ગુજરાતમાં સરદાર સરોવર ડેમ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની લોકપ્રિયતા સતત વઘી રહી છે, સરદાર વલ્લભભાઈ પટેલની ગગનચુંબી પ્રતિમા ઉપરાંત અહીં હરવા-ફરવાની અનેક જગ્યાઓના કારણે ટુરિસ્ટોનો પ્રવાહ વધતો જાય છે ત્યારે રિલાયન્સ ગ્રૂપ અહી બિઝનેસની તક શોઘી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય હોટેલો અને લક્ઝરી રિસોર્ટ્સ બનાવવા પ્લાન ઘડી કાઢ્યો છે, રિલાયન્સે નવી કંપની બનાવી 25 કરોડ રૂપિયાની શેર મૂડી સાથે આ કંપની ઉભી કરી છે. ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રૂપની ઈન્ડિયન હોટેલ્સ કંપની પહેલેથી સરદાર સરોવર નર્મદા નિગમ સાથે ભાગીદારી ધરાવે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે પ્રોપર્ટી લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તેમાંથી એક વિવાન્તા હોટેલ અને બીજી જિંજર હોટેલ હશે. બીજી તરફ રિલાયન્સની નવી કંપનીએ કેવડિયા કોલોની ખાતે રિસોર્ટ્સ બનાવવા તૈયારી કરતા હવે બન્ને કંપનીઓ વચ્ચે હરીફાઈ થશે.