વિદેશી આયાતી કોલસાના ભાવમાં પ્રતિટન 1500થી 2000 રૂપિયા થતા સીરામીક અને પેપરમીલ ઉદ્યોગની મુશ્કેલી વધી મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ક્લસ્ટરમાં દરરોજ સવાર પડેને સીરામીક ઉદ્યોગ માટે એક પછી એક માઠા સમાચારો આવી રહ્યા છે. અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં સમુદ્રી જહાજના ભાડા વધવાથી સીરામીક પ્રોડક્ટ્નું એક્સપોર્ટ ઠપ્પ થયું છે તેવા સમયે જ છેલ્લા ત્રણથી ચાર મહિનામાં નેચરલ ગેસ અને પ્રોપેનના ભાવમાં અસહ્ય વધારો આવતા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે બીજી તરફ વૈશ્વિક તનાવ વચ્ચે આયાતી કોલસા અને સ્થાનિક કોલસાના ભાવમાં પણ આ જ સમયગાળામાં 1500થી 2000 રૂપિયા પ્રતિ ટન ભાવ વધારો થતા ઉદ્યોગોને પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.મહત્વનું છે કે,કોલસાના ભાવમાં વધારો થવાથી સીરામીક ઉદ્યોગની સાથે જ પેપરમીલ ઉદ્યોગ પર અસર પડી છે.અમેરિકા અને ઈરાન વચ્ચે છેડાયેલી જંગમાં મોરબીનો સીરામીક ઉદ્યોગ બરાબરનો ફસાયો છે.મોરબી સીરામીક ક્લસ્ટરમાં આવેલા 700થી વધુ સીરામીક એકમો ફેબ્રુઆરી માસથી ગેસની અનિશ્ચિતતા અને ભાવવધારાથી ત્રસ્ત બન્યો છે. ગેસના ભાવમાં ઉછાળા બાદ મોરબીની સીરામીક પ્રોડક્ટમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો.જો કે,ભાવવધારા બાદ પણ દર મહિને અખાતી દેશની અસ્થિરતાના કારણે ગેસના ભાવમાં સતત ઉછાળા શરૂ રહેતા હાલમાં ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ અને પ્રોપેન અત્યાર સુધીની ઐતિહાસિક ટોચની સપાટીએ પહોંચી ગયો છે. સીરામીક ઉદ્યોગ માટે ગેસ મહત્વનું પરિબળ હોવાથી ગેસના ભાવવધારાને કારણે સીરામીક ઉદ્યોગકારો ઉદ્યોગને ટકાવી રાખવા માટે જજુમી રહ્યા છે.બીજીતરફ સ્થાનિક માર્કેટમાં મંદીની સાથે જ ઇન્ટરનેશનલ માર્કેટમાં વૈશ્વિક અશાંતિની અસરથી એક્સપોર્ટ ઠપ્પ થઇ જતા હવે ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે.બીજીતરફ અત્યાર સુધી નેચરલ ગેસ અને પ્રોપેનમાં ભાવ વધારો સહન કરતા મોરબી સીરામીક ઉદ્યોગ પર હવે કોલસાના ભાવમાં વધારો સહન કરવાનો વારો આવ્યો છે. સીરામીક ઉદ્યોગકારોના માટે છેલ્લા બેથી ત્રણ મહિનામાં આયાતી કોલસાના ભાવમાં પ્રતિ ટન રૂપિયા 1500થી 2000 રૂપિયા જેટલો ભાવ વધારો આવતા ટાઇલ્સ નિર્માણ પ્રક્રિયામાં પ્રતિ ફૂટે 0.50 પૈસા જેટલું કોસ્ટીંગ વધી ગયું છે. મહત્વનું છે કે, સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં ગેસની સાથે કોલસો પણ મહત્વનું પરિબળ છે, ખાસ કરીને સ્પ્રે ડાયર એકમોમાં ટાઇલ્સ નિર્માણ માટે દૈનિક 2થી 3 હજાર ટન કોલસાનો વપરાશ થાય છે. જેથી કોલસાના ભાવમાં વધારો થવાથી સીરામીક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે.કોલસાના ભાવ વધતા પેપરમીલ ઉદ્યોગને પણ માઠી અસર મોરબી જિલ્લામાં સીરામીક ઉદ્યોગની સમાંતર પેપરમીલ ઉદ્યોગ પણ ફૂલ્યોફાલ્યો છે, હાલમાં જિલ્લામાં 52 જેટલી પેપરમીલ આવેલી છે.જો કે, સંપૂર્ણ રીતે સીરામીક ઉદ્યોગપર આધારિત પેપરમીલ ઉદ્યોગને પણ વૈશ્વિક અશાંતિને કારણે સહન કરવાનો વારો આવ્યો છે જેમાં વિદેશથી આયાત થતી રદ્દી -પસ્તીની આવકને અસર પહોંચવાની સાથે જ છેલ્લા બે-ત્રણ મહિનામાં કોલસાના ભાવમાં ઉછાળો આવતા પેપરમીલ ઉદ્યોગને સિરામિકની મંદી વચ્ચે પોતાનો ઉદ્યોગ ટકાવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. પેપરમીલ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ 7500થી 8000 રૂપિયા ટનના ભાવે મળતા ઈમ્પોર્ટેડ કોલસાના ભાવ હાલમાં 10 હજાર સુધી પહોંચી ગયા છે.માતાના મઢ અને ઉવરસરથી આવતા સ્થાનિક કોલસાના ક્વોટામાં કાપ મોરબીના સીરામીક ઉદ્યોગ તેમજ પેપરમીલ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ ઉમેર્યું હતું કે, ઈમ્પોર્ટેડ કોલસાની તુલનાએ જીએમડીસી દ્વારા આપવામાં આવતો સ્થાનિક કોલસો ઉદ્યોગ માટે સસ્તો પડે છે, જો કે,કોઈપણ કારણોસર જીએમડીસી દ્વારા માતાના મઢથી તેમજ ઉવરસર નજીકથી મળી આવતા સ્થાનિક કોલસાના મંજુર થયેલા ક્વોટા ઘટાડી નાખવામાં આવ્યા છે અને અને મંજુર થયેલા ક્વોટાથી માત્ર 20 ટકા જેટલો જ કોલસો આપવામાં આવતો હોવાથી ઉદ્યોગને ફરજીયાત પણે આયાતી મોંઘા કોલસા પર જ નિર્ભર રહેવું પડે છે.