મોરબી : વિક્રમ સંવત ૨૦૭૬ની લાભપંચમીથી વ્યવસાયિક નવું વર્ષ શરૂ થતાં જ મોરબીની તમામ બજારો આજે શુભ મહુર્તમાં ખુલી ગઈ છે. રજાઓમાં બહારગામ ફરવા ગયેલા પર્યટન શોખીન લોકો પરત ફરી રહ્યા છે ત્યારે મોરબી બસ સ્ટેશન પર તેમજ હાઇવે પર ભીડ દેખાઈ રહી છે. દિવાળીનું વ્યવસાયિક વેકેશન પૂરું થતા જ આજે લાભ પાંચમથી વેપારી, ધંધાર્થીઓએ શુભ મહુર્તમાં પોતાના વેપાર-ધંધાનો પ્રારંભ કર્યો છે. વરસાદની દ્રષ્ટિએ ચોમાસુ 100 ટકા કરતા વધુ રહ્યું હોવા ઉપરાંત પાછોતરા માવઠાથી ખેતીને નુકશાન તો થયું છે આમ છતાં વેપારીઓને માર્કેટમાં તેજીનો કરંટ આવશે તેવું લાગી રહ્યું છે. ઓણ સાલ વેપારીઓ લગ્નસરાની સિઝનમાં તેજીનો આશાવાદ સેવી રહ્યા છે. રજાઓ પુરી થઈ ગઈ હોવા છતાં અમુક લોકો હજી રજાના મૂડમાં હોય બે દિવસ બાદ આવી રહેલા સોમવારથી જ બજારમાં સર્વગ્રાહી રોનક પાછી ફરશે તેવું અમુક ધંધાર્થીઓ જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રજાના માહોલ દરમ્યાન મોરબીની ખાણી-પીણીની બજાર સતત ધમધમતી રહી હતી.