ખેડૂતોના વિરોધને પગલે કલેકટર સાથે બેઠક યોજતા કુંવરજીભાઇ બાવળિયા : પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ પણ કેનાલમાં નિર્ધારિત પાણીનું સ્તર જાળવી રાખવાની જાહેરાત મોરબી : બ્રાહ્મણી-૨થી સાદુળકા સુધીની પાણી પાઇપલાઇન યોજના સામે ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો છે. આ મામલે ખેડૂતોએ જિલ્લા કલેક્ટર સમક્ષ ભુતકાળમા રજુઆત કરીને પાઇપલાઇન નાખવા સામે વાંધો પણ ઉઠાવ્યો હતો. જો કે આ વિવાદમાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ મધ્યસ્થી કરાવવા માટે તંત્રને સમાધાનકારી વલણ અપનાવવાની સૂચના આપી છે. બ્રાહ્મણી-૨થી સાદુળકા સુધી પાણીની પાઇપલાઇન નાંખવા મુદ્દે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇ પાણી પૂરવઠા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા તેમજ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કોન્ફરન્સ હોલમાં મળેલી આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ બ્રાહ્મણી-૨ થી સાદુળકા પીવાના પાણીની પાઇપલાઇન નાંખવાની યોજના મુદ્દે હકારાત્મક અને સમાધાનકારી વલણ અપનાવી સૌને ન્યાય મળે તે પદ્ધતિની કામગીરી આગળ વધારવા અધિકારીઓને સુચનાઓ આપી હતી. સંબંધિત ગામોને ખેડૂતોને સાપ મરે નહીં અને લાકડી તૂટે નહીં તેવું સમાધાનકારી વલણ રાખીને આગળની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. કેનાલને હટાવવામાં ન આવે તેવી ખેડૂતોએ ઉગ્ર મંગ કરી હતી. જેના પગલે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ પણ કેનાલમાં નિર્ધારિત પાણીનું સ્તર જાળવી રાખવા નેમ વ્યક્ત કરી હતી. વધુમાં મંત્રીએ ખેડૂતોને વિશ્વાસમાં રાખી, સમાધાનકારી વલણ અપનાવી ખેડૂતોને નુકસાન કે અન્યાય ન થાય તે રીતે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, પાણી પૂરવઠા બોર્ડના અધિકારીઓ, સિંચાઇ વિભાગ, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી. ગજેરા, સ્થાનિક અગ્રણી જ્યોતિસિંહ જાડેજા તથા સંબંધિત ગામોને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.