અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના જિલ્લા ઉપાધ્યક્ષ મેહુલ એમ ગાંભવાની સફળ રજુઆતમોરબી : કેનાલ યોજના તથા માર્ગ મકાનના કામ માટે જમીન સંપાદિત કર્યા બાદ જમીન કપાતની નોંધ ન કરવામાં આવતા અને ગામ નમુના નં. ૭/૧૨ અસર ન આવતા ખેડુતોને હાલાકી પડી રહી હતી. આ મામલે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ મેહુલ એમ ગાંભવા દ્વારા રજુઆત કરવામાં આવતા અધિક કલેકટર દ્વારા તમામ પ્રાંત અને મામલતદારોને આ અંગે હુકમ કરાયો છે.આ મામલે અધિક કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના હેતુસર મેજર તેમજ માઇનોર કેનાલ બાબતે જમીન કપાતની નોંધ ન કરવામાં આવતા અને ગામ નમુના નં. ૭/૧૨ અસર ન આવતા ખેડુતોને પડતી મુશ્કેલી બાબતે રજુઆત મળી હતી. જે અન્વયે તમામ પ્રાંત અધિકારી મામલતદાર, કાર્યપાલક ઈજનેર-સિંચાઈ વિભાગ (સ્ટેટ/પંચાયત) તથા ડી.આઇ.એલ.આર મોરબીને નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવેલ છે. વધુમાં તમામ જમીન સંપાદન અધિકારી અને પ્રાંત અધિકારીને તથા વિવિધ સંપાદક સંસ્થાઓ (નેશનલ હાઇવે, રેલવે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય, પંચાયત), સિંચાઈ (સ્ટેટ પંચાયત), સૌ.શા.ન.વિ.) ને વિવિધ જાહેર હેતુ માટે સંપાદન કરવામાં આવેલ જમીનના મહેસુલી રેકર્ડ અદ્યતન કરવા બાબતે જે તે જમીન સંપાદન અધિકારીના સંપર્કમાં રહી હુકમી નોંધોની કામગીરી કરવા જણાવેલ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ દ્વારા સંપાદિત જમીનના રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવાની કામગીરીને ટોચ અગ્રતા આપી નિયમોનુસાર કરવા સુચના આપવામાં આવી છે.અગાઉ સંપાદિત થયેલ પરંતુ રેવન્યુ રેકર્ડમાં નોંધ થયેલ ન હોય, તેવું મહેસુલી રેકર્ડ અધ્યતન કરવા માટે કાર્યવાહી ચાલુમાં હોય જેથી મહેસુલી રેકર્ડ અઘતન થવાથી તેને લગત સંલગ્ન વિવિધ સરકારી કામગીરી સરળતાથી થઈ શકે. તેમજ સરકારનો ડિઝીટલાઈઝેશનનો અભિગમ સાચા અર્થમાં સાર્થક થઇ શકે તે માટે સંલગ્ન તમામ વિભાગો કાર્યરત છે. વધુમાં, અત્રેથી મહેસુલી અધિકારીઓની દર માસે યોજાતી સમીક્ષા બેઠકમાં પણ ઉકત બાબતને ટોચઅગ્રતા આપી આ કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે.