પોલીસે પોતાની કારમાં તાત્કાલિક ઘાયલ દીકરીઓને હોસ્પિટલ પહોંચાડીટંકારા : ટંકારા- લતીપર હાઈવે પર સાવડી નજીક ગોલાઈ વિસ્તારમાં આજે સાંજના સમયે એક એક્ટિવાનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે દીકરીઓને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ ટંકારા પોલીસના જવાનોએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડીને ઘાયલોને એમની કારમાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માત લતીપર-ટંકારા રોડ પર સાંજના ટાંણે બન્યો હતો. અકસ્માત સમયે ટંકારા ડી સ્ટાફના જમાદાર જસપાલસિંહ જાડેજા, કાનભા ઝાલા અને સુરેશભાઈ સોટા પેટ્રોલિંગ પર હતા. તેઓ અકસ્માત સ્થળની નજીક જ હતા. તેથી તેઓએ તુરંત જ કાર્યવાહી કરી અને બંને ઘાયલ દીકરીઓને પોતાની કારમાં બેસાડીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસની આ ખુમારીભરી કામગીરીને કારણે ઘાયલોને સમયસર મદદ મળી શકી હતી.ઘાયલોને પ્રાથમિક સારવાર માટે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી અકસ્માત કેમ થયો અને ઘાયલ વ્યક્તિઓની ઓળખ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.