મદદનીશ ચૂંટણી અધિકારીની કડક કાર્યવાહી : બન્ને કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકાર્યા બાદ ખુલાસાઓ ગ્રાહ્ય ન રાખી કલેકટરને ખાતાકીય પગલાં લેવા કરી દરખાસ્તમોરબી : રાજકોટ બેઠકના ટંકારા મત વિસ્તારના બે ઝોનલ ઓફિસર સામે તાલીમમાં ગેરહાજરી અને શિસ્તભંગ બદલ પગલાં તોળાઈ રહ્યા છે. મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરી બન્ને સામે ખાતાકીય પગલાં લેવા માટે જિલ્લા કલેકટરને દરખાસ્ત કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની એલઇ કોલેજના આસિ.પ્રોફેસર રાજેન્દ્ર બી.પરમાર અને એન.એન.ગરવાળીયાને 10 રાજકોટ સંસદીય મત વિસ્તારના ટંકારા વિધાનસભા ક્ષેત્ર હેઠળ ઝોનલ ઓફિસની ચૂંટણી ફરજ સોંપવામાં આવી હતી. બન્ને તાલીમમાં ગેરહાજર રહ્યા હોય ઉપરાંત શિસ્તભંગ પણ કર્યો હોય મદદનીશ ચૂંટણી અધિકારી અને ડે.કલેકટર એસ.પી.દુદકીયા દ્વારા બન્નેને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.જેનો ખુલાસો બન્નેએ કરતા આ ખુલાસો મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો નથી. તેઓ દ્વારા જણાવાયુ છે કે ચૂંટણી સમયની કામગીરી દરમિયાન તાત્કાલિક કરવાની થતી કામગીરીઓમાં ગેરહાજર રહીને ચૂંટણી પ્રક્રિયાના સુચારું સંચાલનમાં જાણી જોઈને વહીવટી તંત્રને હેરાન કરવાની વૃત્તિથી અડચણ ઊભી કરવામાં આવી હોય સાથે આપનો ખુલાસો ગ્રાહ્ય રાખવામાં આવતો નથી. આ સાથે મદદનીશ ચૂંટણી અધિકારી અને ડે.કલેકટર એસ.પી.દુદકીયા દ્વારા બેજવાબદાર બન્ને ઝોનલ સામે કડક કાર્યવાહી કરી ખાતાકીય પગલાં લેવા જિલ્લા કલેકટરને દરખાસ્ત કરવામાં આવી છે.