વડાપ્રધાનના બંદોબસ્તમાં સુરત મુકાયેલા પીએસઆઇને ત્યાંની પોલીસે રિપોર્ટ કરી પરત મોરબી મોકલી દીધા, મોરબી એસપીએ પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવવાની નોટિસ આપીમોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન સુરત ખાતે પીએમના રિહર્સલ દરમિયાન ત્યાં બંદોબસ્તમાં મુકાયેલા મોરબીના પીએસઆઇએ કોન્વેયમાં વચ્ચે ઘુસી ગયેલા સગીરને વાળ પકડીને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.વડાપ્રધાન મોદીના કાર્યક્રમ પૂર્વે ખાખી રિહર્સલ દરમિયાન એક બાળક ભૂલથી સાયકલ લઇને રોડ આવી ચડતા ફરજ ઉપર રહેલા પોલીસ કર્મીએ બાળકને વાળ પકડીને મુક્કા માર્યા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દરમિયાન સુરતની આ ઘટનામાં બાળકને માર મારનાર પીએસઆઇ મોરબીના બી.કે.ગઢવી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં સુરત પોલીસ દ્વારા આ પીએસઆઇ સામે રિપોર્ટ કરી તેમને પરત મોરબી મોકલવામાં આવ્યા છે. વધુમાં મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે પીએસઆઇ બી.કે.ગઢવી હાલમાં ટ્રેનિંગમાં છે. આ ઘટના બાદ તેમના પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પાઠવવામાં આવી છે