દર્દથી કણસતા ગૌવંશને સારવાર માટે મોરબી ખસેડાયા : ગૌવંશ પર હુમલો કરનાર તત્વો સામે કડક પગલાં લેવા જીવદયા પ્રેમીઓની માંગ હળવદ: હળવદ તાલુકાના કવાડીયા ગામે બે ગૌવંશ પર એસિડ વડે હુમલો કરાયો હતો. જ્યારે તાલુકાના બોરડી ગામે એક ગૌવંશને ધારિયાના ઘા મારવામાં આવ્યા હતા જેના કારણે ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આવા તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી લોકોમા માંગ ઉઠી છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે ગઈકાલે બે ગૌવંશ પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. જ્યારે તાલુકાના બોરડી ગામે એક ગૌવંશને ધારિયાના ઘા ઝીંકાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્રણેય ગૌવંશને દર્દથી કણસતી હાલતમાં સારવાર માટે હળવદમાં આવેલ શ્રી રામ ગૌશાળા ખાતે લાવવામાં આવ્યા હતા. પરંતુ એસીડ વડે હુમલો કરાયેલા બંને ગૌવંશની મોટાભાગની ચામડી ઉતરી ગઈ હોય વધુ સારવાર અર્થે મોરબીની યદુનંદન ગૌશાળા ખાતે ખસેડવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. હળવદમા ઘણા સમયથી ગૌવંશ પર હુમલા થવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. જો કે દુઃખદ વાત એ છે કે પાછલા કેટલાક દિવસોથી જે ગૌવંશ પર હુમલા કરવામાં આવ્યા છે તેમાં આજદિન સુધી હુમલા કરનાર એક પણ શખ્સ ઝડપાયો નથી. પંથકમાં ગૌવંશ પર અવારનવાર થતા હુમલાઓ અટકવાનું નામ લેતા નથી. અહીં ખાસ નોંધનીય છે કે અગાઉ પણ કવાડિયા ગામ નજીક ગૌવંશ પર એસીડ વડે હુમલાના બનાવો સામે આવ્યા હતા. ત્યારે ગઇકાલે તાલુકાના જુદા-જુદા બે ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશ પર જીવલેણ હુમલા થતા ગૌ પ્રેમીઓમાં હુમલો કરનાર શખ્સો પર ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે આવા તત્વો પર પોલીસ કડક હાથે કાર્યવાહી કરે.