મોરબી : ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના ખાખરાળા પીએચસીના આયુષ્યમાન આરોગ્ય મંદિર ધરમપુરને નિયત 12 ગુણવત્તાસભર સેવાઓ માટે 96.51 ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાનાં NQAS (National Quality assurance stardards) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તરને પ્રદર્શિત કરે છે.મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના ખાખરાળા પીએચસી હેઠળના ધરમપુર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સંબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, ચેપી અને બિનચેપી રોગોનું નિદાન અને સારવાર, ઈમરજન્સી આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક એપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવત્તા ચકાસણી, દર્દી કેન્દ્રીત સેવાઓની ઉપલબ્ધતાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી અનુસંધાને આરોગ્ય મંદિર ધરમપુરને રાષ્ટ્રીય કક્ષાનાં NQAS (National Quality assurance stardards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ આરોગ્ય કેન્દ્રમાં સારા મેનેજમેન્ટ, સુસજ્જ સુવિધાઓ અને સર્મિપત આરોગ્ય કર્મચારીઓની મહેનતનું ઝળહળતું પરિણામ છે અને ભવિષ્યમાં પણ ખાખરાળા પીએચસી અન્ય વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરોને નેશનલ લેવલે પ્રમાણિત થાય તે માટે કાર્યવાહી ચાલુ છે. આરોગ્ય ક્ષેત્રે સુધારણા કરી અને આ પ્રકારના ગુણવત્તા માપદંડો કરે તે માટે સરકાર અને આરોગ્ય તંત્રના સંયુક્ત પ્રયત્નો સતત ચાલુ રહેશે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. કે. શ્રીવાસ્તવ, જિલ્લા કવોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરીયા, મોરબી તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડીયા તેમજ ખાખરાળા પીએચસીના મેડિકલ ઓફિસર ડો. સંજય જીવાણી દ્વારા આરોગ્ય મંદિરના તમામ સ્ટાફને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.